બજેટ પહેલાં આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો ઇન્તજાર આખતે ખતમ થયો છે. કેબિનેટે બજેટ પહેલાં આઠમા પગાર પંચને મંજૂરી આપી છે. સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025એ પૂરો થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠમા પગાર પંચની રચના પહેલાં રાજ્ય સરકારો, PSU વગેરે સાથે વિચારવિમર્શ કરવામાં આવશે. આઠમા પે કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોનાં નામ પણ ટૂંક સમયમાં એલાન કરવામાં આવશે.  

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ કમિશનની ભલામણો વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સાતમું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, તેની ભલામણો 2026 સુધી ચાલુ રહેશે.

આ સાથે કેન્દ્ર સરકારે શ્રીહરિકોટા ખાતે ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે. હાલમાં આ સુવિધામાં બે લોન્ચ પેડ છે. આ બે લોન્ચ પેડ પરથી અત્યાર સુધીમાં 60થી વધુ લોન્ચ કરવામાં આવ્યાં છે. ત્રીજું લોન્ચ પેડ બનાવીને સેટેલાઇટ અને સ્પેસ ક્રાફ્ટ લોન્ચની સંખ્યા વધારી શકાય છે.

આઠમા પગાર પંચનું 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને પે મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે. જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે સરકારી કર્મચારીઓના પગારમાં વિશેષ ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધારો કરવામાં આવશે. ધારો કે વર્તમાન 7મા પગાર પંચ હેઠળ પગાર સુધારણા માટે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. કેટલાક મીડિયા અહેવાલોના આધારે, સરકાર 8મા પગાર પંચ હેઠળ 1.92 ના પરિબળ સાથે સમાધાન કરી શકે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર સરકાર ઓછામાં ઓછા 2.86 ના ઉચ્ચ ફિટમેન્ટ પરિબળને પસંદ કરશે.

જો 8મું પગાર પંચ જાન્યુઆરી, 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર 34,560 રૂપિયા થવાનો અંદાજ છે.