આ ગામના લોકો મોબાઈલમાં નહીં, પણ ભગવદ્ ભક્તિમાં છે લીન!

કોઈ આપણને કહે કે, આજનો દિવસ તમારે મોબાઈલનો વપરાશ નથી કરવાનો. તમે માનશો?

એક દિવસ તમારા ઘરમાં કે ઓફિસમાં વીજળી ના હોય તો તમને ચાલશે? બધાં કામ અટકવાને લીધે મૂડ ખરાબ થાય છે ને?

પરંતુ ઉત્તર પ્રદેશમાં વૃંદાવન પાસે એક ગામ છે. જ્યાં લાઈટ, પંખા તો નથી જ, મોબાઈલ પણ કોઈના હાથમાં જોવા ના મળે! કારણ, કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે!

તો શું ગામના લોકો બોર થતાં હશે?  તેઓ કોઈ પણ ભૌતિક સુવિધા વગર ખુશ રહેતા હશે?

નવાઈની વાત એ છે કે, ગામના લોકો ઘણાં જ ખુશ રહે છે અને બહુ જ સુખી જીવન જીવે છે!

આ નોખું-અનોખું ગામ છે ‘ટટિયા’ ગામ! આ ગામના લોકો કોઈ પણ ભૌતિક સુખ-સુવિધા વગર પણ બહુ જ મસ્ત જીંદગી જીવી રહ્યાં છે. અહીં ઘરોમાં લાઈટ કે ઈલેક્ટ્રીક પંખા તો જોવા નથી જ મળતાં. જૂના જમાનામાં જે રીતે ઘરની અંદરની બાજુએ છાપરાની નીચે કાપડના પડદા રાખવામાં આવતા. જેને છેડે રસ્સી લાગી હોય અને નીચે ઉભા રહી રસ્સીનો બીજો છેડો ખેંચીને પડદા હલાવીને હવા મેળવવામાં આવતી હતી. તેવા જૂના વખતના પંખા અહીં જોવા મળે છે.

રાત્રે સુદ્ધાં વીજળીના બલ્બ નથી હોતાં. ત્યાં દીવા તથા ફાનસ જોવા મળે છે! મોબાઈલનો તો અહીં પ્રતિબંધ છે! નવાઈની વાત એ છે કે, પાણી ભરવા માટે પણ કૂવા પર જવું પડે છે. અહીંના લોકો આખો દિવસ પૂજા પાઠમાં વ્યસ્ત રહે છે અને સ્ત્રીઓ આખો દિવસ માથું ઢાંકેલું રાખે છે.

કહેવાય છે કે, વૃંદાવનના સાતમા આચાર્ય લલિત કિશોરી દેવજીએ નિધિવન છોડ્યું અને ત્યારબાદ આ જગ્યાએ આવીને ધ્યાન કરવા બેસી ગયા. આ જગ્યા આખું જંગલ હતું. તેથી શિકારી જનાવરોથી આચાર્યને બચાવવા માટે ભક્તોએ આસપાસ વાંસના બાંબુ ગોઠવીને ઉપર છાપરું બનાવી દીધું હતું.

વાંસના બાંબુને અહીંના લોકો ટટિયા (Tatiya) કહે છે. એટલે આ જગ્યાનું નામ ‘ટટિયા’ ગામ પડ્યું.

આ ગામમાં લોકો દિવસ-રાત ભજન કીર્તનમાં રચ્યા પચ્યા રહે છે, ડગલે ને પગલે ભક્તિમાં લીન સાધુ સંત જોવા મળે છે. અહીં ભગવાનની આરતી નથી થતી. પરંતુ રાધા રાણી અને કૃષ્ણ ભગવાનના ગીતો ગવાય છે. અહીં લીમડા, કદંબ, પીપળાના ઘણાં વૃક્ષો છે. જેના પાંદડાં પર પણ રાધા નામ લખેલું જોવા મળે છે. આ ગામના સાધુ-સંત દક્ષિણા નથી લેતા. એમને માટે ગામના ઘરોમાંથી ભોજન મોકલવામાં આવે છે.

આધુનિક ટેક્નોલોજીના જમાનામાં આ આદર્શ ગામ આધ્યાત્મિકતા અને ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.