નવી દિલ્હીઃ મોગલોના કાળમાં ભારતીય અર્થતંત્રનો ‘સુવર્ણકાળ’ માનવામાં આવતો હતો. કદાચ એટલે જ આક્રમણકારીઓ વારંવાર ભારત પર હુમલા કરતા હતા. એ કાળમાં પણ કેટલાય એવા વેપારીઓ હતા, જેવા આજના દોરમાં એલન મસ્ક, મુકેશ અંબાણી છે. આ શ્રીમંત વેપારીઓ અંગ્રેજો અને મોગલ બાદશાહોને નાણાં ધીરતા હતા. તેમનો પણ ઠસ્સો એવો કે તેઓ જગત શેઠ તરીકે ઓળખાતા હતા. સુરતના એક શ્રીમંતે તો ઔરંગઝેબને નાણાં ધીરવાનો ધરાર ઇનકાર કર્યો હતો.
મોગલોના કાળમાં સુરતના વેપારી વીરજી વોરા વિશ્વના સૌથી શ્રીમંત વેપારી કહેવાતા હતા. 17મી સદીના મધ્યમાં વીરજી વોરાનો વિશ્વભરમાં ડંકો વાગતો હતો. દક્ષિણના રાજકારણમાં ફસાયેલા ઔરંગઝેબની નાણાકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. તેણે સુરતના વેપારીઓ પાસે વ્યાજમુક્ત લોન માગી હતી, પણ વેપારીઓએ તેને આપવાથી નનૈયો ભણ્યો હતો. વીરજી વોરાની શ્રીમંતાઈ એવી હતી કે તેઓ અંગ્રેજોને પણ લોન આપતા હતા.
તેમને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વિશ્વના અત્યાર સુધીના સૌથી શ્રીમંત બિઝનેસમેન કહેવામાં આવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વીરજી વોરા 1617થી 1670ની વચ્ચે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફાઇનાન્સર હતા. 1590માં જન્મેલા વીરજી વોરાનું 1670માં નિધન થયું હતું. તેઓ એક જથ્થાબંધ વેપારી હતા અને અહેવાલો મુજબ એ સમયે તેમની વ્યક્તિગત સંપત્તિ આઠ મિલિયન રૂપિયા હતી. તેઓ મરી, સોના અને તેજાના સહિત કેટલાંય ઉત્પાદનોનો વેપાર કરતા હતા.