નવી દિલ્હીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવ્યા પછી અનેક સરકારી કંપનીઓ અને સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા ટાટા ગ્રુપને વેચી દેવાઈ છે અને એ જ રીતે બીજી કેટલીક સરકારી કંપનીઓનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હવે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) અને ભારતીય રેલવેનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવશે એવી અટકળો વહેતી થઈ છે.
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને એક ન્યૂઝ ચેનલે એક મુલાકાત વખતે આ સવાલ પૂછ્યો ત્યારે એમણે સરકારનું નક્કર વલણ રજૂ કર્યું હતું.
એમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતીય રેલવેની સેવા અત્યંત જટિલ પ્રકારની છે. ભારતની સૌથી મોટી આર્થિક શક્તિ રેલવે છે. તેથી તેનું ખાનગીકરણ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. તેથી હું સ્પષ્ટ કરી દઉં છું કે ભારતીય રેલવેનું કોઈ પણ સંજોગોમાં ખાનગીકરણ કરવામાં નહીં આવે.