UPIથી ટ્રાન્ઝેક્શન્સ મફત જ રહેશેઃ NPCIની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ જે લોકો UPI એપથી લેવડદેવડ અથવા ચુકવણી કરે છે, તેમના માટે રાહતના સમાચાર છે. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે એક જાન્યુઆરી, 2021થી UPI ચુકવણી પર વધારાનો ચાર્જ લગાવવામાં આવશે. જોકે UPI ચુકવણી પર ચાર્જ વિશેના આ અહેવાલો ખોટા છે, એમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ એક નિવેદનમાં કહ્યું હતું.

UPI એપના ગ્રાહકો ચિંતામાં હતા, જેથી NPCIએ બધા સંબંધિતોને એક મેસેજ મોકલ્યો છે. NPCIએ કહ્યું છે કે એક જાન્યુઆરી, 2021થી UPI લેવડદેવડ પર ચાર્જ વિશેના સમાચાર પાયાવિહોણા છે અને એણે આ પ્રકારના ખોટા અહેવાલોના શિકાર ના થવા માટે વિનંતી કરી છે. એણે ઉમેર્યું હતું કે UPI યુઝર્સ માટે ચુકવણી પર કોઈ ચાર્જ નાખવામાં આવ્યો. એણે ચુકવણી માટે UPI એપનો નિરંતર અને સુવિધાજનક ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો.

આ પહેલાં એવા અહેવાલ વહેતા થયા હતા કે જે લોકો UPIથી ચુકવણી કરે છે, તેમને એમેઝોન પે, ગૂગલ પે અને ફોનપેથી ચુકવણી પર વધારાનો ચાર્જ આપવો પડશે. આવા અહેવાલોમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે NPCIએ એક જાન્યુઆરીથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડરો દ્વારા સંચાલિત UPI ચુકવણી સર્વિસ પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. વળી નવા વર્ષથી ત્રીજા પક્ષની એપ પર 30 ટકા મર્યાદા મૂકી દેવામાં આવશે, પણ આ અહેવાલ પાયાવિહોણા છે. સબસ્ક્રાઇબર્સ દ્વારા UPI ચુકવણી પર કોઈ ચાર્જ નથી લગાવવામાં આવ્યો.

 

 

 

 

 

 

 

.