કરોડો ભારતીયોની કાર્ડ-માહિતી ડાર્ક-વેબ પર વેચાયાનો દાવો

મુંબઈઃ સ્વતંત્ર સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આજે એવો દાવો કર્યો છે કે દેશમાં લગભગ 10 કરોડ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોની અંગત ડેટા ડાર્ક વેબ પર (ઓનલાઈન) ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મારફત અમુક અઘોષિત મોટી રકમમાં વેચવામાં આવી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે આ વિશે તપાસ કરાવવી જોઈએ.

રાજાહરિયાનું કહેવું છે કે બેંગલુરુસ્થિત ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે ‘જસ્ટ-પે’ સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને એમાંથી 10 કરોડ જેટલા ભારતીયોની એમના ડેબિટ, ક્રેડિટ કાર્ડ પરની એમના નામ, મોબાઈલ નંબર, બેન્કનું નામ વગેરે જેવી માહિતી ડાર્ક વેબ પર મોટા પાયે ડેટા ઠાલવવામાં આવી છે. જોકે 2012માં સ્થપાયેલી ‘જસ્ટ-પે’ કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઈ 18 ઓગસ્ટે અમારા સર્વરને હેક કરવાનો એક પ્રયાસ કરાયો હતો અને તેને નિષ્ફળ બનાવી દેવાયો હતો. તે સાઈબર હુમલામાં કોઈ કાર્ડ નંબરો કે નાણાકીય માહિતી લીક થઈ નહોતી. 10 કરોડનો આંકડો વધારે પડતો ઊંચો છે, વાસ્તવમાં એ આંક ઘણો ઓછો છે.