નવી દિલ્હી: સામાન્ય લોકોના બેંકોમાં જમા નાણાને લઈને ભારતીય રિઝર્વ બેંકે ખાતરી આપી છે કે, તે નાણા સુરક્ષિત છે કોઈ ખતરો નથી. આરબીઆઈએ ટ્વીટ કરીને કહ્યું કે, રિઝર્વ બેંકની નજર તમામ બેંકો પર રહે છે અને બેંકોમાં લોકોની જમા થાપણોને કોઈ ખતરો નથી.
હકીકતમાં પહેલા પીએમસી બેંકે દેવાળું ફૂંકતા અને હવે યસ બેંકના ખાતાધારકો પર આરબીઆઈએ રોકડ રકમના ઉપાડની લિમિટ નક્કી કરી દીધી છે જેને લઈને બેંક ખાતા ધારકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તેથી હવે આરબીઆઈ ટ્વીટ કરીને લોકોને તેમના નાણા સુરક્ષિત હોવાની ખાતરી આપી છે. આ ઉપરાંત આરબીઆઈએ અન્ય એક ટ્વીટ કર્યું છે. જેમાં મીડિયા દ્વારા બેંકોમાં નાણાની સુરક્ષાને લઈને વ્યકત કરવામાં આવી રહેલી ચિંતાની વાત કરી છે.
આરબીઆઈએ ટ્વીટમાં લખ્યું કે, કેટલાંક પ્રસાર માધ્યમોએ માર્કેટકેપના આધારે બેંકોની સોલ્વેન્સી બાબતે કરેલા અયોગ્ય વિશ્લેષણના કારણે બેંકોમાં રહેલી થાપણો અંગે ચિંતા ઊભી થઈ છે. બેંકોની સોલ્વેન્સી આંતરાષ્ટ્રીય સ્તર પર કેપિટલ ટૂ રિસ્ક વેટેડ એસેટ્સ (CRAR) પર આધારિત હોય છે ન કે માર્કેટ કેપ પર.
મહત્વનું છે કે, આરબીઆઈએ હાલમાં જ યસ બેંક પર એક મહિના માટે નાણા ઉપાડ પર 50 હજારની લિમિટ નક્કી કરી છે. તો એસબીઆઈના બોર્ડે બેંકમાં યસ બેંકમાં 49 ટકાની ભાગીદારી ખરીદવાને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.