સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર ‘જમશેદજી ટાટા’

મુંબઈઃ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટા દેશના નહીં વિશ્વના સૌથી મોટા દાનવીર છે. દાનના મામલે તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સ કરતાં પણ આગળ છે. હુરુન રિપોર્ટ અને એડલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ટોચના દાનવીરોની યાદીમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા એક સદીમાં 102 અબજ અમેરિકી ડોલર દાન આપીને વિશ્વના સૌથી મોટા દાનવીરના રૂપમાં ઊભર્યા છે. જમશેદજી ટાટા મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બનાવનારા વેપારી ગ્રુપના ટાટા સંસ્થાપક હતા. તેઓ બિલ ગેટ્સ અને તેમની અલગ થઈ ચૂકેલી પત્ની મેલિન્ડા- જેમણે 74.6 અબજ અમેરિકી ડોલરનું દાન કર્યું છે, આ સિવાય વોરેન બફેટ (37.4 અબજ ડોલર) જ્યોર્જ સોરોસ જેવા (34.8 અબજ અમેરિકી ડોલર) અને જોન ડી રોકફેલર (26.8 અમેરિકી ડોલર) જેવા અન્ય લોકોથી આગળ છે.  

હુરુનના અધ્યક્ષ અને મુખ્ય શોધકર્તા રૂપર્ટ હુગવેર્ફે જણાવ્યું હતું કે ભલે અમેરિકા અને યુરોપિયન લોકો ગઈ શતાબ્દીમાં પરોપકારના વિચાર સાથે હાવી રહ્યા હોય, પણ ભારતના ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર વ્યક્તિ છે.

તેમણે કહ્યું હતું કે શિક્ષણ અને આરોગ્ય સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં મદદ કરવા માટે બે તૃતીયાંશા ટ્રસ્ટોની માલિકી ભોગવતા ટાટાને ટોચનું સ્થાન મેળવવામાં મદદ મળી છે. જમશેદજીએ ટાટાએ દાનનો પ્રારંભ 1892થી કર્યો હતો.

આ યાદીમાં એકમાત્ર અન્ય ભારતીય વિપ્રોના અઝીમ પ્રેમજી છે, જેમણે દાનનાં કાર્યો માટે આશરે 22 અબજ અમેરિકી ડોલર આપ્યા છે. આ યાદીમાં 38 અમેરિકાના, બ્રિટનના પાંચ અને ચીનના ત્રણ લોકોનો સમાવેશ છે. કુલ 37 ટોચના દાનદાતાઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, જ્યારે એમાંથી 13 જીવિત છે.