નવી દિલ્હીઃ મોંઘવારીના દરમાં સતત થઈ રહેલો વધારો, સપ્લાય ચેઇન ખોરવાઈ જતાં અને જિયોપોલિટિકલ ટેન્શન (રશિયા-યુક્રેન યુદ્ધ)ને કારણે વર્લ્ડ બેન્ક FY23 માટે ભારતનો આર્થિક ગ્રોથ ઘટાડીને 7.5 ટકા કર્યો છે, જે પહેલાં એપ્રિલમાં બેન્કે આઠ ટકા અંદાજ્યો હતો.
જાન્યુઆરીમાં વિશ્વે બેન્કે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમા ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.7 ટકાના દરે વધશે. જોકે એમાં બેન્કે કહ્યું હતું કે ગ્રોથ ખાનગી ક્ષેત્રના સ્થિર મૂડીરોકાણ અને સરકારના સુધારાવાદી પગલાં અને પ્રોત્સાહનોને કારણે ભારતમાં વેપારલક્ષી વાતાવરણ છે.
કોરોના રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રને પ્રતિકૂળ અસર કરી છે, એ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધે પણ એને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું છે, એમ વર્લ્ડ બેન્કનો ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ કહે છે. રિપોર્ટ કહે છે કે વર્ષ 2021ના ગ્લોબલ ગ્રોથ 5.7 ટકાથી ઘટીને વર્ષ 2022માં 2.9 ટકા રહેશે. જે જાન્યુઆરીમાં અંદાજેલા 4.1 ટકા કરતાં પણ નીચો છે. યુક્રેન યુદ્ધ, ચીનમાં લોકડાઉન, સપ્લાય ચેઇનમાં અડચણો અને કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીએ આર્થિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પાડી છે. વળી, ઘણા દેશો મંદી ખાળી નથી શક્યા, એમ વિશ્વ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું.વૈશ્વિક ફુગાવો દર આગામી વર્ષે પણ ઊંચો રહેવાની ધારણા છે, પણ ફુગાવાનો લક્ષ્યાંક કરતા અનેક દેશોમાં એ ઉપર રહેવાની શક્યતા છે, એમ રિપોર્ટ કહે છે. કેટલાક ઇમર્જિંગ માર્કેટમાં અને વિકાસશીલ દેશોમાં નાણાકીય કટોકટી અને વૈશ્વિક સ્લો ડાઉન થશે, એમ રિપોર્ટ કહે છે.