અમદાવાદઃ એપ્રિલના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. વળી એપ્રિલ એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ સિરીઝના અંતિમ દિવસે 14 ટકાની તેજીની સાથે નિફ્ટીએ 9,850ની સપાટી પણ કુદાવી હતી. બુધવારે અમેરિકી શેરબજારોની તેજીને પગલે સ્થાનિક બજારોમાં પણ તેજીને ટેકો સાંપડ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે મહત્ત્વના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિફ્ટી ઇન્ડેક્સ 307 પોઇન્ટ ઊછળીને 9,859.90ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્કે પણ બજારની તેજીને સાથ આપ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 997.46 ઊછળીને 33,717.62ના સ્તરે બંધ થયો હતો. એપ્રિલમાં મુખ્ય ઇન્ડેક્સોમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
કોરોના વાઇરસની સારવારમાં અમેરિકાને અસરકારક દવા મળી?
કોરોના વાઇરસની સારવારમાં રેમડેસિવિર દવા અસરકારક સાબિત થઈ છે, એવા પ્રાથમિક અહેવાલો મળ્યા છે. જેથી કોરોના વાઇરસની સારવારમાં આશા જન્મી છે. જેની અસર શેરબજાર પર પ્રોત્સાહક પડી હતી. શુક્રવારે મહારાષ્ટ્રના દિવસે શેરબજાર બંધ રહેશે.
એપ્રિલ સિરીઝ બજાર માટે પાછલાં 18 વર્ષોમાં સૌથી સારી
એપ્રિલ સિરીઝ બજાર માટે પાછલાં 18 વર્ષોમાં પ્રોત્સાહક રહી હતી. આ મહિને નિફ્ટી 19 ટકા વધ્યો છે. બીએસઈ ઓટો 25 ટકા, બીએસઈ ઓઇલ એન્ડ ગેસ 28 ટકા, બીએસઈ રિયલ્ટી 12 ટકા, બીએસઈ મેટલ 21 ટકા અને બીએસઈ પાવર 10 ટકા વધ્યા હતા. બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોએ બજારને ટેકો આપ્યો હતો. સતત સાત દિવસની તેજીએ રિલાયન્સ 19 ટકા વધ્યો હતો. કંપની રાઇટ્સ ઇશ્યુ અને ડિવિડન્ડ પર જાહેર કરે એવી શક્યતા છે.
સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક લેવાલી
સ્થાનિક શેરબજારોમાં શેરોની જાતેજાતમાં લેવાલી જોવા મળી હતી. નિફ્ટીના 11 ઇન્ડેક્સોમાંથી નવ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. બેન્ક, ઓટો, ફાઇનાન્શિયલ, આઇટી, મેટલ ઇન્ડેક્સમાં બેથી સાત ટકાનો વધારો જોવા મળ્યો હતો. આઇટી, ઓટો અને મેટલ ઇન્ડેક્સ અનુક્રમે પાંચ, છ અને સાત ટકા વધ્યા હતા. એફએમસીજી અને રિયલ્ટી પણ મજબૂત હતા. જોકે ફાર્મામાં વેચવાલીનું દબાણ હતું. સેન્સેક્સના 30માંથી 26 શેરો અને નિફ્ટી 50ના 50માંથી 44 શેરો તેજી સાથે બંધ થયા હતા.