વોશિંગ્ટન ડીસીઃ કોરોના રોગચાળા વચ્ચે મોટાં અર્થતંત્રોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જ્યાંનું અર્થતંત્ર આ વર્ષે દ્વિઅંકી વિકાસદરે વધશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ વર્ષ 2021 અને 2022 માટે ભારતનો આર્થિક વિકાસ દરમાં નોંધપાત્ર વધારાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વર્ષ 2021માં ભારતના અર્થતંત્રમાં 11.5 ટકા અને 2022માં 6.8 ટકાનો ઉછાળો જોવા મળે એવી શક્યતા છે. વર્ષ 2021માં 8.3 ટકાના અંદાજિત વિકાસદરે ભારત પછી બીજા સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર ચીનનું હશે, એમ વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક રિપોર્ટ કહે છે. વર્ષ 2022માં ભારતનું અર્થતંત્ર ચીનથી આગળ રહેશે. ભારતનો વૈશ્વિક વિકાસ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે. ચીનનો વિકાસદર 5.6 ટકા રહે એવી શક્યતા છે.ભારતમાં વર્ષ 2020 માટે (-) આઠ ટકાનો નકારાત્મક વૃદ્ધિદરનો અંદાજ હતો, જોકે ભારતની તુલનામાં વધુ નેગેટિવ વિકાસ દરવાળા અન્ય દેશોમાં યુનાઇટેડ કિંગડમ (-10) ટકા, સ્પેન (-) 11.1 ટકા), ઇટલી (-) 9.2 ટકા) ફ્રાંસ (-) નવ ટકા, મેક્સિકો (-) 8.5 ટકા સામેલ છે, જ્યારે ચીનમાં 2.3 ટકા વધારાનો અંદાજ છે.
કોરોના રોગચાળામાં વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2021માં 5.5 ટકા અને 2022માં 4.2 ટકા વધવાનું અનુમાન છે. સંસ્થાએ 2021ના અગાઉના આકલનથી 0.3 ટકાનો બદલાવ કર્યો છે. અમેરિકામાં વર્ષ 2020માં (-) 3.4 ટકા નેગેટિવ ગ્રોથનું અનુમાન છે. જોકે 2021માં 5.1 ટકા અને વર્ષ 2022માં અર્થતંત્ર 2.5 ટકાના દરે વિકાસદર વધવાની અપેક્ષા છે, જ્યારે યુરો ક્ષેત્ર 2020માં 7.2 ટકાના નકારાત્મક દરે વધવાની આશા છે. 2021માં 4.2 ટકા અને 2022માં 3.6 ટકાના દરે વધારો થવાની શક્યતા છે.