સરકારે ઘઉંની નિકાસ પર તત્કાળ પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસ પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે આ માટે શુક્રવારે એક નોટિફિકેશન જારી કર્યું હતું. ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. હાલના દિવસોમાં ઘરેલુ બજારમાં ઘઉંની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળી છે. જેથી ફ્લોર મિલો અને ઉપભોક્તાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સરકાર સ્થાનિક બજાર ઘઉંની કિંમતોને વધતી અટકાવવા માગે છે.

જોકે સરકાર અન્ય દેશોથી ઘઉંના ઓર્ડર આવવા પર નિકાસની મંજૂરી આપી શકે છે. સરકારે જારી કરેલા નોટિફિકેશન મુજબ લેટર ઓફ ક્રેડિટની સાથે થનારા શિપમેન્ટને હાલમાં મંજૂરી હશે. આનો અર્થ એ થયો કે પહેલાં થઈ ચૂકેલા નિકાસ સોદા પૂરા થશે.

રશિયા-યુક્રેનનું યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક બજારમાં ઘઉંની કિંમતોમાં આશરે 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સંકટ શરૂ થયા પછી ભારતથી ઘઉંની નિકાસમાં ભારે વધારો થયો છે, જેથી દેશમાં ઘઉં અને અન્ય ખાદ્ય પદાર્થોની કિંમત વધવા માંડી છે. એક અંદાજ પ્રમાણે આવનારા મહિનાઓમાં ભારતમાં ખાદ્ય પદાર્થોની અછત સર્જાય એવી શક્યતા છે, કેમ કે રવી પાક અપેક્ષાથી નબળો રહ્યો છે. વળી, ઘઉંના પંજાબ અને હરિયાણા જેવા દેશો- સૌથી મોટા ઉત્પાદક રાજ્યોમાં પાકને થયેલા નુકસાનને કારણે પુરવઠામાં ઘટાડો થવાની વકી છે.

એપ્રિલમાં ઘઉંની જથ્થાબંધ કિંમતોમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. ઘઉંની કિંમતો 5-7 ટકા વધી હતી. ખુલ્લા બજારમાં ઘઉંની કિંમતો MSPથી પણ વધુ છે.