વર્લ્ડ કપથી અર્થતંત્રને રૂ. 200 અબજનો વેગ મળવાની શક્યતા

નવી દિલ્હીઃ ICC મેન્સ વર્લ્ડ કપ 2023નો પાંચ ઓક્ટોબરથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં થવાનો છે. 19 નવેમ્બર સુધી ચાલનારા આ વર્લ્ડ કપમાં 45 લીગ મેચ અને ત્રણ નોકઆઉટ મેચ થશે. આ ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી રહેલા ભારતના અર્થતંત્રને રૂ. 200 અબજ (2.4 અબજ ડોલર) સુધીનો વેગ મળે એવી શક્યતા છે, એમ બેન્ક ઓફ બરોડાના ઇકોનોમિસ્ટસનો અંદાજ છે.

બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ 10 શહેરોમાં રમાનારા વર્લ્ડ કપની મેચોથી સૌથી વધુ લાભ ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરને થશે. વળી, રિટેલ સેક્ટરને પણ લાભ થશે, કેમ કે અનેક લોકો ક્રિકેટના ઝનૂનમાં કપડાંની ખરીદી પણ ધૂમ કરશે. બીજી બાજુ તહેવારોની મોસમ પણ શરૂ થઈ ચૂકી છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ટેલિવિઝન અને સ્ટ્રિમિંગ પ્લેફોર્મ્સ- બંને મળીને આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ભારતીય વ્યૂઅરશિપ 2019ના 55.2 કરોડથી ક્યાંય વધુ હશે. એનાથી ટીવી રાઇટ્સ અને સ્પોન્સશિપ રેવેન્યુમાં રૂ. 10,500 કરોડથી માંડીને રૂ. 12,000 કરોડ સુધી જનરેટ થવાની શક્યતા છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વર્લ્ડ કપને પગલે મોંઘવારીમાં વધારો થવાની શક્યતા છે. એરલાઇન ટિકિટ, હોટેલનાં ભાડામાં વધારો થયો છે અને કદાચ હજી વધારો થવાની શક્યતા છે. જે 10 શહેરોમાં મેચ રમાવાની છે, ત્યાં અસંગઠિત ક્ષેત્રે સર્વિસ ચાર્જીસમાં તહેવારોની સીઝનમાં વધારો થવાની શક્યતા છે. આ ટુર્નામેન્ટ ટિકિટોના વેચાણ પર ટેક્સ કલેક્શનમાં વધારો, હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ ડિલિવરી પર GSTમાં વધારાના માધ્યમથી કેન્દ્ર સરકારના ખજાનામાં પણ વધારો થવામાં મદદ મળશે.