નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આજકાલ ફેક ન્યુઝનો મારો વધી ગયો છે. આ પ્રકારના ફેક ન્યૂઝ ક્યારેક મોટી મુશ્કેલીને નોતરુ આપી દેતા હોય છે. ભારતમાં મોટી ગ્લોબલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓના પ્રમુખો પર ફેક ન્યૂઝ ફેલાવવાના મામલે ગુનાહીત કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ આવી શકે છે. એક સરકારી સમિતિએ ફેક ન્યૂઝ અંગેની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતા વાળી આ સમિતિએ એક રિપોર્ટ ગૃહપ્રધાન રાજનાથ સિંહને સોંપ્યો છે. સમિતિના સભ્યોએ અલગ અલગ રાજ્યમાં થયેલા હિંસાના બનાવો સામે તપાસ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે અલગ અલગ રાજ્યમાંથી જે હિંસાના બનાવો સામે આવ્યા હતા તેમા સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે અંતિમ નિર્ણય માટે રિપોર્ટ વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે. કાયદા અને આઈટી પ્રધાન રવીશંકર પ્રસાદે ફેક ન્યૂક પર સખત કાર્યવાહી કરવાની વાત પહેલા જ કરી હતી. ત્યારે હાલ આ રિપોર્ટ મામલે જાણકારોના અભિપ્રાયો માંગવામાં આવી રહ્યા છે.
ફેસબુક, વોટ્સએપ, ગૂગલ અને ટ્વિટર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાની કંપનીઓ દ્વારા ઘણીવાર વાર ફેક ન્યૂઝ પર કાબુ મેળવવાનો ભરોસો આપવામાં આવ્યો છે. જો કે અત્યાર સુધીમાં કોઈ યોગ્ય પગલા લેવાયા નથી. જેના પરિણામે આવા સમાચારોથી નફરત અને હિંસાએ ઉગ્ર રૂપ લીધાના ઘણા બનાવો બન્યા છે.