નવી દિલ્હીઃ મોદી સરકારે એર ઇન્ડિયાના એક્વિઝિશન મામલે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, એર ઇન્ડિયાનું સંપૂર્ણ અધિગ્રહણ (100 ટકા) નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે કોઇ એનઆરઆઇ પણ કરી શકે છે. પહેલા NRI માટે અધિગ્રહણની મર્યાદા 49 ટકા હતી. એર ઇન્ડિયાને વર્ષ 2018માં વેચવાનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ રહ્યા બાદ કેન્દ્ર સરકારે આ વખતે પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે, એર ઇન્ડિયાની ખરીદી માટે બીડિંગ કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ છે. સરકારી વિમાન કંપનીને ખરીદવાની ઇચ્છા ધરાવતી પાર્ટીઓ- કંપનીઓની નેટવર્થ 3500 કરોડ રૂપિયા હોવી જરૂરી છે. બીડ જમા થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટને બેઠકમાં એફડીઆઇના નિયમોમાં ફેરફારને લઇ નિર્ણય લેવાઇ ગયો છે. હવે વિદેશી કંપનીઓ પણ સરળતાપૂર્વક એર ઇન્ડિયા માટે બીડિંગ કરી શકશે. તે ઉપરાંત હવે NRI ઓટોમેટિક રૂટ હેઠળ એવિએશન સેક્ટરની કંપનીઓમાં 100 ટકા હિસ્સેદારી ખરીદી શકે છે.
તાજેતરમાં જ અશ્વિની લોહાણાના સ્થાને સિનિયર આઇએએસ ઓફિસર રાજીવ બંસલની એર ઇન્ડિયાના નવા ચીફ મેનેજિંગ ડિરેક્ટર પદે નિમણુંક કરવામાં આવી છે. બંસલ 1988 બેન્ચના નાગાલેન્ડ કેડરના આઇએએસ અધિકારી છે.
ઉલ્લેખનિય છે કે એર ઇન્ડિયા પર લગભગ 80 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. નાણાંકીય વર્ષ 2018-19માં એર ઇન્ડિયાને રૂ. 8556 કરોડની ચોખ્ખી ખોટ થઇ હતી. હાલ એર ઇન્ડિયા અને તેની પેટા કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં સરકારે 100 ટકા હિસ્સેદારી ધરાવે છે. 7 જાન્યુઆરીએ ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ એ ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી.