મુંબઈ – ભારતીય રેલવેની ટ્રેનોમાં ઉપલબ્ધ કરાતા ખાદ્યપદાર્થોના પેકેટ્સ પર બાર કોડ દર્શાવવામાં આવશે જેથી સત્તાવાળાઓ અને પ્રવાસીઓ તે ફૂડ ક્યાં તૈયાર કરવામાં આવ્યું હતું એ કિચનનો ટ્રેક મેળવી શકશે. પ્રવાસીઓ બાર કોડને સ્કેન કરીને ભોજન કે ખાદ્યપદાર્થો કયા કિચનમાં બનાવવામાં આવ્યા છે, ક્યાં પેક્ડ કરવામાં આવ્યું છે, ત્યાં કેટલી સ્વચ્છતા છે એનું પોતાના મોબાઈલ ફોન દ્વારા લાઈવ સીસીટીવી ફુટેજ જોઈ શકશે.
આને લીધે ડિલીવર કરાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા વિશે પ્રવાસીઓની ફરિયાદો ઘણું ખરું ઘટી જશે.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે રેલવેની ‘ઈ-દ્રષ્ટિ’ ડેશબોર્ડ સુવિધા પ્રવાસીઓને અર્પણ કરી હતી. એ પ્રસંગે એમણે કહ્યું કે ટ્રેનોમાં IRCTC દ્વારા પૂરા પાડવામાં આવતા તમામ પેક્ડ કૂક્ડ ફૂડ પર હવેથી બાર કોડ હશે અને એની પર કીચનનો નંબર તથા પેકિંગનો સમય પણ દર્શાવેલો હશે. ઈન્ડિયન રેલ કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પ (IRCTC )ના કયા કિચનમાં અને કયા સમયે ફૂડ પેક કરવામાં આવ્યું હતું એ વિગત દર્શાવવામાં આવશે.
સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા તૈયાર કરાયેલું નવું ડેશબોર્ડ www.raildrishti.cris.org.in. પર એક્સેસ કરી શકાશે.
ભારતીય રેલવેની પેટાકંપની IRCTCના કુલ 32 બેઝ કિચન્સ છે, જે પ્રવાસીઓને ટ્રેનમાં ખાદ્યપદાર્થો પૂરા પાડે છે.