ઘરોની ખરીદી પરના GSTમાં કાપ મૂકાયોઃ વાજબી કિંમતના ઘરો પર માત્ર 1 ટકો GST લેવાશે

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે ઘરની ખરીદી કરનારાઓ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખુશખબર આપ્યા છે. સરકારે ઘરોની ખરીદી પરનો જીએસટી ઘટાડી દીધો છે. ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે તેની આજની બેઠકમાં અમુક મહત્ત્વના નિર્ણયો લીધા છે.

બાંધકામ હેઠળના ઘરો પર હવે પાંચ ટકા જીએસટી લાગશે જ્યારે વાજબી કિંમતવાળા ઘરો પર માત્ર 1 ટકા જીએસટી (વિધાઉટ ઈનપુટ ટેક્સ ક્રેડિટ – ITC) લાગશે. 45 લાખની કિંમત સુધીના ઘર-મકાન, જેને અફોર્ડેબલ ગણવામાં આવશે, એની ખરીદી પર 1 ટકો જીએસટી લાગશે, બાંધકામ હેઠળના ઘરોની ખરીદી પર પાંચ ટકા જીએસટી લાગશે, જે અત્યાર સુધી 12 ટકા લેવાતો હતો.

ભારતીય રિઝર્વ બેન્કાન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નિયમો અંતર્ગત 45 લાખ રૂપિયા સુધીની કિંમતના ઘરોને અફોર્ડેબલ માનવામાં આવશે.

નવા દર આવતી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

ઘરની ખરીદી કરનારા લોકોને રાહત આપવા માટે આજે જીએસટી કાઉન્સિલમાં મનોમંથન કરવામાં આવ્યું હતું.

આ બેઠકનું અધ્યક્ષપદ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સંભાળ્યું હતું.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાની હેઠળ રિયલ એસ્ટેટ સેક્ટર અંગે પ્રધાનોની સમિતિએ સૂચન કર્યું જ હતું કે બાંધકામ હેઠળની પ્રોપર્ટીઓ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવો જોઈએ અને વાજબી કિંમતના આવાસો પરનો જીએસટી આઠ ટકાથી ઘટાડી 3 ટકા કરવો જોઈએ. સરકારે વાજબી કિંમતના ઘરો પરનો જીએસટી 1 ટકો કર્યો છે.

ગયા વખતની બેઠક, જે વિડિયો કોન્ફરન્સ મારફત યોજવામાં આવી હતી, એમાં બિન-ભાજપ શાસિત રાજ્યોના પ્રતિનિધિઓ ગેરહાજર હતા એટલે રિયલ એસ્ટેટ વિશેના નિર્ણયનો અમલ એમની ગેરહાજરીમાં જાહેર કરાય એની સામે વિરોધ કર્યો હતો.

એ વખતે, વચગાળાના નાણાં પ્રધાન પીયૂષ ગોયલે રિયલ એસ્ટેટ માટેના વેરા દરોમાં કાપ મૂકવાની તરફેણ કરી હતી. એમણે કહ્યું હતું કે અમારી સરકાર ઈચ્છે છે કે ઘર ખરીદવા ઈચ્છતા લોકો પર જીએસટીનો બોજો ઘટાડવો જોઈએ. એ માટેની ભલામણ કરવા જીએસટી કાઉન્સિલે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી હતી.

જીએસટી ઘટાડવાથી બાંધકામ હેઠળના ઘરોની ખરીદીમાં ઉછાળ આવશે, કારણ કે હાલના જીએસટી દરોને કારણે જ લોકો બંધાઈને તૈયાર થઈ ગયા હોય એવા ઘરો જ ખરીદવાનું પસંદ કરે છે.

પંજાબના નાણાં પ્રધાન મનપ્રીત બાદલે એમ કહીને વિરોધ કર્યો હતો કે દરેક જુદા જુદા રાજ્યોમાં કરવેરાની અલગ અલગ પ્રક્રિયા છે. ચર્ચા કરાયા વિના સમાન દરો લાગુ કરવા એ યોગ્ય ન કહેવાય.

આજની બેઠકમાં લોટરી ઉપર જીએસટી દરના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ગઈ વેળાની બેઠકમાં આ મુદ્દો ચર્ચી શકાયો નહોતો, કારણ કે ઘણા વિપક્ષ-શાસિત રાજ્યોના પ્રતિનિધિઓએ એમ કહ્યું હતું કે આ મુદ્દો વિડિયો કોન્ફરન્સ દ્વારા નહીં, પણ આમને-સામને બેઠકમાં ચર્ચાવો જોઈએ.

મહારાષ્ટ્રના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારની આગેવાની હેઠળની સમિતિએ લોટરી પરનો જીએસટી દર 18 ટકા અથવા 28 ટકાનો સમાન રાખવાની ભલામણ કરી છે.

હાલ રાજ્ય સરકાર સંચાલિત લોટરી પર 12 ટકા જીએસટી લગાડવામાં આવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]