અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી થઈ હતી. નિફ્ટી ને સેન્સેક્સ સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયા હતા. IT સિવાય BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી થઈ હતી. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 15 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
વિશ્વના શેરબજાર હાલ ઇરાન અને ઇઝરાયેલની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભયભીત છે. આ યુદ્ધ જો લાંબું ખેંચાશે તો વૈશ્વિક બજારોને ફરી એક વાર સપ્લાય ચેઇન ખોરવાવાને કારમે મોંઘવારીના દરમાં વધારો થવાની ભીતિ છે. જેને પગલે વ્યાજદરમાં થયેલો ઘટાડો કાં અટકી જશે કે વધવાતરફી થશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ક્રૂડ આઠ ટકા વધી ચૂક્યું છે અને હજી વધવાતરફી રહેવાની ધારણા છે.
ઘરેલુ બજારોમાં માર્કેટ વોચડોગ સેબીએ રિટેલ ટ્રેડર્સને ભારે નુકસાનથી બચાવવા માટે ફ્યુચર્ય એન્ડ ઓપ્શનના નિયમ સખત કર્યા છે. આ નિયમોમાં વીકલી એક્સપાયરી પરની સંખ્યામાં ઘટાડો અને માર્જિન વધારવા જેવા નિર્ણય સામેલ છે. સેન્સેક્સ એક સમયે 871 પોઇન્ટ સુધર્યું હતું, પણ નબળા સેન્ટિમેન્ટને કારણે સુધારો જળવાયો નહોતો અને ઇન્ટ્રાડડે ઊંચાઈથી 1500 પોઇન્ટ તૂટ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 809 પોઇન્ટ તૂટીને 81,688.45ના સ્તરે બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 200.25 પોઇન્ટ તૂટીને 25,049.85ના મથાળે બંધ આવ્યું હતું.BSE એક્સચેન્જ પર કુલ 4054 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1579 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2370 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 105 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 190 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 66 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.