સેન્સેક્સ 1016 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 17,450ને પાર

અમદાવાદઃ રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા બેઠકમાં મુખ્ય વ્યાજદરોને યથાવત્ રાખતા અને વૈશ્વિક પ્રોત્સાહક સંકેતોને લીધે સતત બીજા દિવસે બજારોમાં તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સે 1016 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી 293 પોઇન્ટ વધ્યો હતો. નિફ્ટીએ 17,450ને પાર થયો હતો. વળી, ઓમિક્રોનને લઈને ફેલાયેલા ફફડાટની વચ્ચે નવો વેરિયન્ટ ડેલ્ટાની તુલનાએ ઓછો ઘાતક હોવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં તેજી થઈ હતી.

રિઝર્વ બેન્કે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા માટે એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું હતું. જેની બજાર પર સકારાત્મક અસર પડી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1016 પોઇન્ટ ઊછળી 58,649.68ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 293 પોઇન્ટ ઊછળી 17,469.80ના સ્તરે બંધ રહ્યો હતો. આ વર્ષે 30 માર્ટ પછી બજારમાં ઇન્ટ્રા-ડે આ સૌથી મોટી તેજી છે. ગયા વર્ષે માર્ચમાં સેન્સેક્સ 1128.08 પોઇન્ટ ઊછળ્યો હતો.

રિઝર્વ બેન્કે રેપો રેટ ચાર ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને MSF દર 4.25 ટકા જાળી રાખ્યા હતા. દિગ્ગજ શેરો સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ એક ટકા કરતાં વધુની તેજી થઈ હતી.

બજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી, જેમાં ઓટો, બેન્ક, FMCG, ફાઇનાન્સિયલ  સર્વિસિસ, પીએસયુ બેન્કો, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગઈ કાલે રૂ. 2584.97 કરોડની વેચવાલી કરી હતી.