અમદાવાદઃ રિઝર્વ બેન્કે આકસ્મિક રીતે રેપો રેટમાં 0.40નો વધારો કરતાં માર્કેટમાં ગભરાટભરી વેચવાલી નીકળી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 50 બે ટકાથી વધુના ઘટાડાએ બંધ થયા હતા. બજારમાં આવેલા ઘટાડાને કારણે રોકાણકારોના રૂ. 6.5 લાખ કરોડ સ્વાહા થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 1307 પોઇન્ટ તૂટીને 55,669ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 391.50 તૂટીને 16,677.60ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટીના બધા સેક્ટરના ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી બેન્ક 2.49 ટકા તૂટ્યો હતો.
BSEનું માર્કેટ કેપ રૂ. 265.88 લાખ કરોડથી ઘટીને રૂ. 259.73 લાખ કરોડ રહ્યું હતું. છેલ્લા એક મહિનામાં રોકાણકારોને આશરે રૂ. 14 લાખ કરોડનું નુકસાન થયું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.40 ટકાનો તત્કાળ વધારો જાહેર કર્યો છે. જેથી રેપો રેટ હવે ચારથી વધીને 4.40 ટકા થયો છે. RBI એ આ વધારો US ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરોમાં વધારો કર્યાના ઠીક પહેલાં કર્યો હતો. દેશમાં રિટેલ ફુગાવામાં ચરમસીમાએ પહોંચતાં RBIએ રેપો રેટમાં વધારો કર્યો હતો. જોકે RBIની રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. જેથી BSE સેન્સેક્સ એક તબક્કે 1400થી વધુ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ફિફ્ટી 450 પોઇન્ટ તૂટ્યો હતો.
RBIના ગવર્નર દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મોંઘવારીમાં વધારો થયો છે. જેથી RBIએ ઉદાર વલણ છોડીને રેપો રેટમાં વધારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ધિરાણ નીતિનો ઉદ્દેશ મોંઘવારીમાં વધારાને રોકવાનો અને એને એક રેન્જમાં લાવવાનો છે, કેમ કે વધુ મોંઘવારીનો દર વિકાસ માટે હાનિકારક છે.