સતત છઠ્ઠા દિવસે સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડોઃ ત્રણ લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત છ દિવસે વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. મધ્ય-પૂર્વમાં વધતું ટેન્શન, અમેરિકી બોન્ડ યિલ્ડમાં ઉછાળો અને દિગ્ગજ કંપનીઓની અપેક્ષાથી ઊતરતાં ત્રિમાસિક પરિણામોને પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ તૂટ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં સૌપ્રથમ વાર ઓક્ટોબર સિરીઝની એક્સપાયરી સૌપ્રથમ વાર નકારાત્મક રહી હતી. ઓક્ટોબર સિરીઝમાં નિફ્ટી આશરે ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જારી રહી છે, જેથી BSE સેન્સેક્સ 900.91 પોઇન્ટ તૂટીને 63,148.15 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 264.90 પોઇન્ટ તૂટીને 18,857 બંધ થયો હતો.  BSEના અને NSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ વેચવાલીથી નરમ બંધ આવ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી બેન્ક 1.29 ટકા તૂટ્યો હતો. કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.

BSE લિસ્ટેડ 30 શેરોમાંથી પાંચ જ વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી50માંથી 48 શેરો ઘટીને બંધ રહ્યા હતા. BSE પર 3799 શેરોમાં ટ્રેડિંગ થયા હતા, જેમાં 1353 શેરોમાં તેજી થઈ હતી. 2303 શેરોમાં ઘટીને બંધ થયા હતા અને 143 શેરોમાં કોઈ ફેરફાર થયા નહોતા. ટ્રેડિંગ સેશનમાં 78 શેરોએ 52 સપ્તાહની ઊંચાઈને સ્પર્શ્યા હતા અને 104 શેરો 52 સપ્તાહની નીચલી સપાટી પર આવ્યા હતા. આ સિવાય 106 શેરોને અપર સર્કિટ લાગી હતી અને 383 શેરોને લોઅર સર્કિટ લાગી હતી.