ટ્રમ્પ નહીં, કોરોનાથી બજાર નાખુશઃ સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર ત્રણ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું હતું. કોરોના વાઇરસે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી બીએસઈ સેન્સેક્સ 807 પોઇન્ટ તૂટીને 40,362ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 242 પોઇન્ટ તૂટીને 11,850ની સપાટી તોડીને 11,838ના મથાળે બંધ રહ્યો હતો.

BSE અને  NSEના તમામ સેક્ટરના ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. હેવી વેઇટ શેરો સાથે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી થઈ હતી. સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ 5.36 ટકા, નિફ્ટી ઓટો 3.51 ટકા, નિફ્ટી ફાર્મા 3.09 ટકા અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.78 તૂટ્યા હતા. કોરોના વાઇરસને કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરડાતાં તેની અસર સ્થાનિક બજારોમાં પણ થઈ હતી.

કરન્સી બજારમાં અમેરિકી ડોલર પણ અન્ય કરન્સી સામે મજબૂત હતો. બજારના પ્રારંભે જ ડોલર સામે રૂપિયો 30 પૈસા ઘટીને 71.94 થયો હતો. જોકે પછીથી રૂપિયો ડોલર સામે સુધર્યો હતો.

ભારત પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે વેપાર મુદ્દે કયા વેપાર કરાર થાય છે એના પર બધાની નજર છે.

રોકાણકારોએ એક દિવસમાં રૂ. 3.17 લાખ કરોડ ગુમાવ્યા

સોમવારે શેરબજારોમાં જે ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં રોકાણકારોએ એક જ દિવસમાં રૂ. 3.17 લાખ કરોડ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ગુમાવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ  બીએસઈ પર લિસ્ટેડ શેરોનું કુલ એમ કેપ 20 ફેબ્રુઆરીના રૂ. 1,58,50,719.62 કરોડથી ઘટીને રૂ. 1,55, 33,762.11 કરોડ થયું હતું.

 

200 શેરો  52 સપ્તાહની નીચલી સપાટીએ

સ્થાનિક શેરબજારોમાં આજે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેમાં મુંબઈ શેરબજારમાં આશરે 195થી વધુ શેરો તેમની 52 સપ્તાહની નીચલીએ સપાટીએ પહોંચ્યા હતા. જેમાં હીરો મોટોકોર્પ, લાર્સન અને ટુબ્રો, બંધન બેન્ક, કેનેરા બેન્ક, એનબીસીસી, એચપીસીએલ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, તેજસ નેટવર્ક અને એલઆઇટી ફાઇનાન્સનો સમાવેશ થાય છે.