અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સમાં સતત ચોથા દિવસે તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. ઇન્ફોસિસનાં પ્રોત્સાહક પરિણામો આવતાં IT શેરોની આગેવાનીમાં ધૂમ તેજી થઈ હતી. FMCG, બેન્કિંગ અને ઓટો ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા, જ્યારે PSE, મેટલ અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેથી રોકાણકારોના રૂ. 1.02 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સે 81,522નો નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 24,838નો નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે નિફ્ટી 188 પોઇન્ટની તેજી સાથે 24,801ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 627 પોઇન્ટ ઊછળી 81,343.46ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 224 પોઇન્ટની તેજી સાથે 52,621ના સ્તરે બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 454.22 લાખ કરોડ થયું હતું.
બજારમાં સવારના ટ્રેડિંગ સેશન પહેલાં શેરોમાં વેચવાલી ફરી વળી હતી, પણ IT ક્ષેત્રની બીજા ક્રમાંકની કંપની ઇન્ફોસિસનાં જૂન ત્રિમાસિકનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવતાં બજાર બંધ થતાં પહેલાં IT શેરોની આગેવાની હેઠળ તેજી થઈ હતી.
બજારમાં હાલમાં બેતરફી વધઘટ જોવા મળે છે. આવતા સપ્તાહે નાણાપ્રધાન મોદી સરકારનું પહેલું બજેટ રજૂ કરવાના છે, જેને લઈને બજારને ઘણીબધી અપેક્ષા છે. સરકાર રાજકોષીય ખાધને કાબૂમાં લેવા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્સ પર કેટલો ખર્ચ કરે એના પર બજારની નજર છે. આ સાથે બજારમાં હાલ ત્રિમાસિક પરિણામોની મોસમ ચાલી રહી છે, જેથી બજારમાં સ્ટોક સ્પેસિફિક કામકાજ જોવા મળે છે.BSE પર કુલ 4016 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1425 શેરોમાં તેજી સાથે બંધ થયા હતા અને 2500 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 91 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 239 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.