આત્મનિર્ભર ભારત વૈશ્વિક સ્તરે એક પ્રતિદ્વન્દ્વી પહેલઃ રાજીવકુમાર

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારતની પહેલ એ માત્ર દેશની અંદર સીમિત નથી, બલકે એ દુનિયાઆખી માટે એક પ્રતિદ્વન્દ્વી પહેલ છે અને અમે તક મળતાં એના હેઠળ વૈશ્વિક સ્તરે લેવડદેવડ કરી શકીશું, એમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું હતું. આ સાથે તેમણે પ્રાઇવેટ ઇન્વેસ્ટર, સરકાર, શિક્ષણ અને સિવિલ સોસાયટીની વચ્ચે વિશ્વાસ કેળવવા પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર ભારત એટલે વૈશ્વિક કંપનીઓ માટે દેશના અર્થતંત્રનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં છે, એવું નહીં પણ વૈશ્વિક સ્પર્ધા માટે ભારતીય કંપનીઓને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ છે.    

તેમણે આત્મનિર્ભરતા અને આત્મ સામર્થ્ય બે અલગ બાબત છે અને આપણે સારી રીતે સમજી લેવું જોઈએ કે આત્મનિર્ભર વ્યવસ્થા એ વૈશ્વિક પ્રતિદ્વન્દ્વી અર્થતંત્ર છે. iCFAI ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન દ્વારા 12મા સ્થાપના દિવસ દરમ્યાન આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં તેમણે ‘આત્મનિર્ભર ભારત: ચેલેન્જીસ ઇન ઇમ્પ્લિટેશન’ વિષય પર લેક્ચર આપ્યું હતું. આત્મનિર્ભર ભારતનો અર્થ એક બંધ અર્થતંત્ર નથી, આત્મનિર્ભરતાનો અર્થ વૈશ્વિક સ્પર્ધાત્મક અર્થતંત્રમાં આત્મવિશ્વાસથી સ્પર્ધા કરવાનો છે, જેમાં વૈશ્વિક વલણોના પ્રવાહો સાથે રહીને વિશ્વ માટે મેક ઇન ઇન્ડિયા થકી આગળ ધપવું, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ટેક્નોલોજી અને વૈશ્વિક નાણાપ્રવાહમાં ભારતનો હિસ્સો વધારવાનો ઉદ્દેશ છે, જેથી આપણે આત્મનિર્ભર બનીશું.