મુંબઈ તા.૨૮ જાન્યુઆરી, ૨૦૨૨: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ૩૦ કરોડ યુએસ ડોલરના ફોરમોસા બોન્ડ્સના સૌપ્રથમ ઈશ્યુને ઈન્ડિયા આઈએનએક્સ ગિફ્ટ આઈએફએસસી પર લિસ્ટ કર્યો છે. કોઈ ભારતીય બેન્ક દ્વારા ઈશ્યુ કરાયેલાં હોય એવાં બોન્ડ્સનો આ સૌપ્રથમ ઈશ્યુ છે.
આ ઘટના વિશેની નુકતેચિનીમાં ઈન્ડિયા આઈએનએક્સના સીઈઓ અને એમડી વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે એસબીઆઈ દ્વારા ઈશ્યુ કરાયેલાં ફોરમોસા બોન્ડ્સના સૌપ્રથમ લિસ્ટિંગનો અમને આનંદ છે. અમારામાં મૂકેલા વિશ્વાસ બદલ અમે એસબીઆઈની ટીમના આભારી છીએ અને સફળતા બદલ તેમને અભિનંદન. એસબીઆઈ એવી પ્રથમ ઈશ્યુઅર છે, જેનાં ગ્રીન બોન્ડ્સ નવેમ્બર ૨૦૨૧માં લક્ઝમબર્ગમાં અને અહીં લિસ્ટેડ થયાં હતાં. આ ડ્યુઅલ લિસ્ટિંગ બંને એક્સચેન્જ વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાથે ઈન્ડિયા આઈએનએક્સ પર બોન્ડ લિસ્ટિંગ ૩૪.૫ અબજ યુએસ ડોલરથી અધિકનું થયું છે એ સાથે કુલ ૫૮ અબજ ડોલરની મીડિયમ ટર્મ નોટ્સ લિસ્ટેડ છે, જે દર્શાવે છે કે ઈશ્યુઅરો ફોરેન કરન્સી બોન્ડ્સના વિસ્ટિંગ માટે આ પ્લેટફોર્મને અધિક પસંદ કરી રહ્યા છે.
એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિન કુમાર તિવારીએ કહ્યું કે અમારા ડોલરમાં ઈશ્યુ કરાયેલા પ્રથમ ફોરમોસા બોન્ડ્સના ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટિંગનો અમને ગર્વ છે. એક ભારતીય નાણાકીય સંસ્થા માટે પાંચ વર્ષની મુદતના આ બોન્ડ્સનો સ્પ્રેડ અતિ સાંકડો છે, જે દર્શાવે છે કે એસબીઆઈએ દરિયા પારની મૂડીબજારોમાં પોતાનું એક સ્થાન ઊભું કર્યું છે, જેના દ્વારા તે નવી બજારોમાં પ્રવેશવાનું સાહસ કરી શકે છે.