નવી દિલ્હી – આજે દેશ 72મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે ત્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાએ 70ની સપાટી ગુમાવી દેતાં ઉદ્યોગજગત અને અર્થતંત્રમાં આંચકો લાગ્યો છે, પણ કેન્દ્ર સરકારે કહ્યું છે કે આમાં ગભરાવાની જરૂર નથી.
કેન્દ્રીય આર્થિક બાબતોના વિભાગના સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું છે કે રૂપિયો પટકાવાનું કારણ બાહ્ય પરિબળો છે. આમાં ગભરાવાની જરૂર નથી.
ગર્ગે વધુમાં કહ્યું છે કે ધારો કે રૂપિયો ડોલરની સામે ઘસાઈને 80ની સપાટીએ ઉતરી જાય તો પણ ચિંતા કરવી નહીં, શરત એ કે અન્ય દેશોનાં ચલણ પણ આ જ રેન્જમાં ડોલર સામે ઘસાવા જોઈએ.
મંગળવારે ડોલર સામે રૂપિયો ઈન્ટ્રાડે ગગડીને 70.20ની સપાટીએ ગબડી ગયો હતો. જોકે પાછળથી બાઉન્સ બેક થઈને કામકાજના અંતે 69.89નો બંધ રહ્યો હતો.