રુચિ સોયાએ પતંજલિનો બિસ્કિટ-બિઝનેસ રૂ.60 કરોડમાં ખરીદ્યો

હરિદ્વાર (ઉત્તરાખંડ): ઈન્દોરસ્થિત રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ જાહેરાત કરી છે કે તેણે હરિદ્વારસ્થિત એની પિતૃ કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડના બિસ્કિટ બિઝનેસને રૂ. 60.02 કરોડમાં ખરીદી લીધો છે. રુચિ સોયા ખાદ્યતેલ બનાવતી ભારતની સૌથી મોટી ઉત્પાદક છે. વાસ્તવમાં 2019માં રૂ. 12,000 કરોડના દેવામાં ડૂબી ગયેલી રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ કંપનીને સુપ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવ સ્થાપિત પતંજલિ આયુર્વેદ કંપનીએ રૂ.4,350 કરોડમાં હસ્તગત કરી હતી. હવે રુચિ સોયાએ પતંજલિની જ અન્ય પેટા-કંપની પતંજલિ નેચરલ બિસ્કિટ્સ પ્રા.લિ. (PNBPL)ના બિસ્ટિક ઉત્પાદક એકમને હસ્તગત કર્યું છે. આ સોદો રૂ.60.02 કરોડમાં નક્કી થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં PNBPLનું ટર્નઓવર રૂ. 448 કરોડ હતું.

રુચિ સોયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગઈ 10 મેએ પીએનબીપીએલ સાથે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટને મંજૂરી આપી હતી. આ હસ્તાંતરણ આગામી બે મહિનામાં પૂરું થશે. રુચિ સોયા આ સોદાની રકમ એગ્રીમેન્ટ થયાના 90 દિવસની અંદર બે હપ્તામાં ચૂકવશે – રૂ. 15 કરોડ અને રૂ. 45.01 કરોડ. આ હસ્તાંતરણનો ઉદ્દેશ્ય કંપનીના હાલના બિસ્કિટ બિઝનેસને વધારવાનો છે.