મુંબઈ – અનિલ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તથા ઈટાલીની અસ્તાલડી એસ.પી.એ. કંપનીના કન્સોર્ટિયમે મુંબઈમાં બાન્દ્રાથી વર્સોવા સુધીના સી-લિન્ક પ્રોજેક્ટ હાંસલ કર્યો છે. આ પ્રોજેક્ટ રાજીવ ગાંધી બાન્દ્રા-વર્લી સી લિન્કનું ઉત્તર તરફની વિસ્તરણ યોજના છે.
ઉક્ત કન્સોર્ટિયમે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે એગ્રીમેન્ટ કર્યો છે. બાન્દ્રા-વર્સોવા પ્રોજેક્ટ રૂ. 7000 કરોડનો છે. એ પાંચ વર્ષમાં પૂરો કરવાનો રહેશે. એની પરનું કામકાજ આ વર્ષના ઓક્ટોબરથી શરૂ થશે.
આરઈન્ફ્રા-અસ્તાલડીએ રૂ. 6,993.99 કરોડની બોલી મૂકીને આ પ્રોજેક્ટ જીતી લીધો હતો. એણે લાર્સન એન્ડ ટુબ્રો-સેમસંગ અને હ્યુન્ડાઈ ડેવલપમેન્ટ લિમિટેડ-આઈટીડીને પરાજય આપ્યો છે.
બાન્દ્રા-વર્સોવા સી-લિન્ક પ્રોજેક્ટ દેશમાં સૌથી મોટો સિંગલ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે.
બાન્દ્રા-વર્સોવા સી-લિન્ક પ્રોજેક્ટ 17.17 કિ.મી. લાંબો હશે. એ હાલના રાજીવ ગાંધી બાન્દ્રા-વરલી સી લિન્ક કરતાં ત્રણ ગણો લાંબો હશે.
બાન્દ્રા-વર્સોવા સી લિન્ક પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ વરલીથી વર્સોવા સુધીનું અંતર હાલના લગભગ બે કલાકથી ઘટીને માત્ર 15 મિનિટ થઈ જશે, એમ આરઈન્ફ્રાના સીઈઓ લલિત જાલને કહ્યું છે.