નવી દિલ્હીઃ ખાનગી બેંકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સને નાણાકિય વર્ષના અંતમાં મળનારા બોનસને આ વર્ષે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અત્યાર સુધી મંજૂર નથી કર્યું. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ બેંકે આ બેંકોના પ્રદર્શનનો હવાલો આપતા બોનસની રકમ પર સવાલો ઉઠાવ્યા છે અને બોનસના પ્રસ્તાવ પર અત્યાર સુધી મહોર મારી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકના સીઈઓને બોનસ મળ્યું નથી. જાણકારોના જણાવ્યા અનુસાર એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે બોનસ મળવામાં મોડુ થયું હોય. બેંકોમાં એક બાદ એક કૌભાંડો સામે આવ્યા હોવાથી આવું થયું છે.
આઈસીઆઈસીઆઈ બોર્ડે સીઈઓ ચંદા કોચર માટે 2.2 કરોડના બોનસને મંજૂરી આપી છે, જ્યારે એક્સિસ બેંકની શિખા શર્માને 1.35 કરોડ રૂપીયાનું બોનસ મળશે અને એચડીએફસી બેંકના આદિત્ય પુરીને આશરે 2.9 કરોડ મળવાના છે. આ મામલે બેંકોની પ્રતિક્રિયા સામે આવી છે.
સરકારી બેંકોના મુકાબલે મજબૂત મનાતી બેંકો માટે સમય થોડો કપરો છે. એક બાદ એક બેડ લોનના મામલાઓ સામે આવી રહ્યા છે. ડિફોલ્ટર્સની સંખ્યા વધવાથી દબાણ પણ વધી રહ્યું છે.