નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની ટેલિકોમ્યુનિકેશન્સ કંપની રિલાયન્સ જિયોનો દબદબો દેશમાં યથાવત્ રહ્યો છે. કંપનીએ મે, 2020માં 36.50 લાખથી વધુ નવા ગ્રાહકોને જોડતાં કુલ ઉપભોક્તાઓનો આંકડો 39 કરોડને પાર કરવાની સાથે નંબર એકની સ્થિતિને વધુ મજબૂત કરી છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાજા આંકડા મુજબ રિલાયન્સ જિયોએ મે,2020માં 36,57,794 ગ્રાહકો ઉમેર્યા હતા અને એના કુલ ઉપભોક્તાઓનો આધાર 39,27,49,930એ પહોંચ્યો હતો. જિયો 34.33 ટકા બજારહિસ્સા સાથી પોતાના પ્રતિસ્પર્ધીઓથી ઘણી આગળ નીકળી ગઈ હતી.
એરટેલ-વોડાફોને મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવ્યા
ટેલિકોમ ક્ષેત્રની અન્ય બે મોટી કંપનીઓ ભારતી એરટેલ અને વોડા-આઇડિયાએ પાછલા કેટલાક મહિનાઓમાં –ખાસ કરીને મેમાં બહુ મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવ્યા હતા. ભારતી એરટેલની મોબાઈલ સેવાએ મેમાં 47,42,840 ગ્રાહકો ગુમાવ્યા અને એના કુલ ઉપભોકતા 31, 78,259 થયા હતા અને બજાર હિસ્સો ઘટીને 27,78 ટકા રહી ગયો હતો.
વોડા-આઇડિયાના મેમાં 47,26,357 ગ્રાહકો તૂટ્યા અને એના ઉપભોક્તાનો આધાર ઘટીને 30,99,25,291 તથા બજારહિસ્સો ઘટીને 27.09 થયો. રિલાયન્સ જિયો સિવાય સરકારી ટેલિકોમ કંપની BSNLએ પણ 2,01,537 ગ્રાહકો ઉમેર્યા. કંપનીનો બજાર હિસ્સો 10.50 ટકા અને ઉપભોક્તા આધાર 11,99,61,592 પર પહોંચ્યો હતો.
એપ્રિલમાં એકમાત્ર કંપની જિયોના ગ્રાહકોમાં વધારો
ટ્રાઇના આંકડા મુજબ મેમાં 56,11,338 ગ્રાહકો ઓછા થયા. કુલ ઉપભોક્તાનો આધાર 114,95,20,000થી ઘટીને 114,39,10,000 થયો હતો. એપ્રિલમાં જિયો એકમાત્ર કંપની હતી, જેના ગ્રાહકોમાં વધારો થયો. એપ્રિલમાં જિયોના ઉપભોક્તા 15,75,333 વધ્યા હતા.
વોડાફોન-આઇડિયાએ એપ્રિલમાં જોરદાર ઝટકો
બીજા નંબરે ભારતી એરટેલે એપ્રિલમાં સૌથી વધુ 52,69,882 ગ્રાહકો ગુમાવ્યા હતા. ત્રીજા નંબરે વોડાફોન-આઇડિયાએ એપ્રિલમાં જોરદાર ઝટકો લાગ્યો હતો. એના 45,16, 866 ગ્રાહકો તૂટ્યા હતા. BSNLએ પણ એપ્રિલમાં 20,53,000 ગ્રાહકો ગુમાવ્યા હતા.
