ગિફ્ટ સિટી સ્થિત IFSCની સંકલ્પના પર કુઠરાઘાત કરવાનો કારસો?

મુંબઈઃ વર્ષોથી દેશનાં રુપી-બેઝ્ડ પ્રોડક્ટ્સનો વેપાર સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ) અને હોગકોંગ સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર (આઈએફસી)માં સતત ઘસડાઈ જતો જોઈને દેશમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસીની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ આ આઈએફએસસીમાં પ્રવાહિતા વધારવાને નામે એવી એક પહેલ કરવામાં આવી રહી છે, જે દેશમાં આઈએફએસસીની સ્થાપનાના મૂળ ઉદ્દેશ પર જ કુઠરાઘાત  કરે છે.

વાત એમ છે કે ગિફ્ટ આઈએફએસસી ખાતે પ્રવાહિતા વધારવા એસજીએક્સ અને એનએસઈ ઈન્ટરનેશનલના જોડાણની દરખાસ્ત કરવામાં આવી છે, એસજીએક્સ એનએસઈ ઈન્ટરનેશનલમાં ઓર્ડર દાખલ કરવા દેશે અને બધી વિદેશી નાણાકીય ઈન્ટરમીડિયેટરી અને સહભાગીઓ એનએસઈમાં દેખાયા વિના સિંગાપોરથી ઓપરેટ કરી શકશે. આ જોડાણની નાણાકીય ગોઠવણો, કાર્યપદ્ધતિ અને અમલ વગેરે વિગતો જાહેર કરાઈ નથી અને તેને સત્તાવાળાઓની મંજૂરી મળવાની બાકી છે.

મની લોન્ડરિંગ એક્ટમાં સુધારો કરવો પડે

એમ કહેવાય છે કે આ પ્રોજેક્ટ સાકાર કરવો હોય તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં સુધારો કરવો પડે તેમ છે. મોટા ભાગના લોકો એસજીએક્સમાંથી ઓપરેટ એટલા માટે કરે છે કે તેમાં એક્સચેન્જને અંતિમ લાભાર્થીની જાણ થતી નથી અને ઘણા કિસ્સામાં તો ઈન્ટકમિડિયેટસને પણ અંતિ લાભાર્થી કોણ છે એની ઓળખ પ્રાપ્ત થતી નથી. જો આમ હોય તો ઉક્ત જોડાણ આપણી આર્થિક અને રાષ્ટ્રીય સલામતી સામેનું મોટું જોખમ બની રહે.

વળી જો ટ્રેડિંગ મેમ્બર, ક્લિયરિંગ મેમ્બર એસજીએક્સના ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સને ગિફ્ટ આઈએફએસસીનો સંપર્ક સિંગાપોરથી જ સરળતાથી મળી જવાનો હોય તો તેઓ પછી ગિફ્ટ આઈએફએસસી ખાતે શું કામ આવશે ? સ્પષ્ટ છે કે તેઓ કદી નહીં આવે એમ નિષ્ણાતો કહી રહ્યા છે.

એસજીએક્સ મારફત થયેલા વેપારમાંથી એસજીએક્સ તેનો ખર્ચ વસૂલી લેશે અને એસજીએક્સ મેમ્બર્સ અને અન્યો વચ્ચેના સોદાઓનું સેટલમેન્ટ એનએસઈ ઈન્ટરનેશનલ ક્લિયરિંગમાં થશે. આમ એસજીએક્સ તના સહભાગીઓ, ઓર્ડરનો પ્રવાહ, સોદાઓનું સેટલમેન્ટ, માર્જિન્સ જાળવી રાખી પોતાની ફીની આવક ચાલુ રાખ શકશે, જ્યારે ગિફ્ટ આઈએફએસસી ખાતે બજારનો વિકાસ થશે જ નહી.

આઈએફએસસીની પ્રતિષ્ઠાને ધક્કો

આ ઓર્ડરની દરખાસ્તમાં બધો મદાર ઓર્ડરના પ્રવાહ અને સિંગોપોરથી આવનારા વેપાર પર રાખવામાં આવ્યો છે એનો આર્થ એ થાય છે કે ગિફ્ટ આઈએફએસસીનું કોઈ ભાવિ નથી અને તે આપમેળે ટ્રેડિંગ વોલ્યુમ પ્રાપ્ત કરી શકે એમ નથી. આમ કરવાથી ગિફ્ટ આઈએફએસસીની પ્રતિષ્ઠાને ધક્કો લાગશે. આવા જોડાણથી તો એવું ફલિત થશે કે આપણે બહારનાં વેપાર મથકો પર સતત નિર્ભર છીએ અને તે પણ માત્ર વોલ્યુમ્સ માટે જ નહીં પરંતુ ભારતના ઈન્ડાઈસીસ અને એક્સચેન્જ રેટના મૂલ્ય માટે પણ.

ભારતમાં પારદર્શી, પ્રગાઢ અને પ્રવાહી બજાર સર્જવાના બધા પ્રયત્નો કરવાના હોય અને સિંગાપોર, હોંગકોંગ, દુબઈ વગેરે સાથે સ્પર્ધા કરવાની હોય એને બદલે આપણી બજારો અને વોલ્યુમ્સ સિંગાપોરને તાસક પર ધરી દેવામાં ક્યું શાણપણ છે, એવો સવાલ બજારના એક્સપર્ટ્સ પૂછી રહ્યા છે.

અનેક સવાલ

એનએસઈ ઈન્ટરનેશનલના એસજીએક્સ સાથેના સૂચિત જોડાણ સામે નિષ્ણાતો અનેક સવાલ કરી રહ્યા છે. આ જોડાણથી શું પર્યાપ્ત પ્રવાહિતા દેશના આઈએફએસસી કાતે આવશે ? અન્ય સંભવિત ગ્રાહકો આવવાનું માંડી વાળશે અને મોટાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ગેરહાજરીમાં શું ગિફ્ટ આઈએફએસસીનું આકર્ષણ ખતમ નહીં થઈ જાય ? શું એનાથી ફાઈનાન્સિયલ સેક્ટરનો સ્કીલ્ડ મેનપાવર સ્વદેશ ભણી વળશે ? આ સાહસની સફળતાના માપદંડ ક્યા રહેશે અને તેને સફળ થવા દેવા કેટલો સમય આપવામાં આવશે ? જો ગિફ્ટ આઈએફએસસીની પ્રતિષ્ઠાને નિયમભંગ, પ્રવાહિતાના અભાવ અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સની અનુપસ્થિતિથી જો હાનિ પહોંચશે તો તેની જવાબદારી કોની ? અને જો એમ થાય તો ગિફ્ટ આઈએફસીની પ્રતિષ્ઠાને કઈ રીતે બચાવી શકાશે એવા સવાલો નિષ્ણાતો પૂછી રહ્યા છે.

સરકારે  સ્પષ્ટતા કરવી જોઈશે

આ કિસ્સામાં સરકારે એની પણ સ્પષ્ટતા કરવી જોઈશે કે એસજીએક્સ-એનએસઈના જોડાણને વિશિષ્ટ કેસ ગણીને એક વારની મંજૂરી આપી રહી છે કે પછી સર્વસામાન્ય મંજૂરી આપી રહી છે કે જેથી દેશનાં અન્ય એક્સચેન્જીસનાં આઈએફએસસી પણ કોરિયા, તાઈવાન, દુબઈ, મોરિશિયસ વગેરે સ્થિત આંતરરાષ્ટ્રીય મથકો સાથે જોડાણ કરી શકે.  જાપાન અને ચીન જેવા દેશો સિંગાપોરમાંથી પ્રવાહિતા તેમની સ્થાનિક બજારમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભારતમાં એનાથી ઉલટું સિંગાપોરને હવાલે બજાર કરવાના અને વેપાર ગુમાવવાના પગલાને કોઈ રીતે વાજબી ઠેરવી શકાય એમ નથી એમ નિષ્ણાતો કહી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]