મુંબઈ – આયોજિત રીટેલ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાંના દેખાવથી પ્રાપ્ત થયેલા બળના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી કંપની બની છે. એણે ‘ફોર્ચ્યુન ઈન્ડિયા 500’ યાદીમાં નંબર-વન પ્રાપ્ત કર્યું છે અને કેન્દ્ર સરકાર હસ્તકની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ને નીચે ઉતારી દીધી છે.
આ સાથે આ યાદીમાં ટોચ પર રહેવાના આઈઓસીના 10-વર્ષના શાસનનો અંત આવી ગયો છે.
મુકેશ અંબાણીના નેતૃત્ત્વવાળા રિલાયન્સ ગ્રુપે 2018-19માં રૂ. 5.81 લાખ કરોડની આવક મેળવી હતી. આઈઓસીને સ્થાનભ્રષ્ટ કરનાર RIL પહેલી જ કંપની છે, એમ ફોર્ચ્યુન ઈન્ડિયાએ કહ્યું છે.
કેન્દ્ર સરકાર હસ્તકની અન્ય કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ત્રીજા નંબરે છે. ગયા વર્ષે પણ તે આ જ નંબર પર હતી.
એ પછીના ક્રમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા મોટર્સ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશ લિમિટેડ (બીપીસીએલ) આવે છે. આ બધી કંપનીઓની રેન્કમાં પણ કોઈ ફરક આવ્યો નથી. 2018માં તેઓ જે રેન્ક પર હતી એ જ 2019માં આવી છે.
આ યાદીમાં કંપનીઓની પેટા-કંપનીઓના એકાઉન્ટ્સને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. તેથી ONGCના રેન્કિંગમાં એણે તાજેતરમાં હસ્તગત કરેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) તથા ઓએનજીસી વિદેશ લિમિટેડની આવકને ગણતરીમાં લેવામાં આવી નથી.
રાજેશ એક્સપોર્ટ્સ કંપની ગયા વર્ષની સરખામણીમાં આ વખતની યાદીમાં એક નંબર ઉપર ચડી છે. એ હવે સાતમા નંબરે છે. એવી જ રીતે, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને લાર્સન એન્ડ ટુબ્રો અનુક્રમે 8મા, 9મા, 10મા અને 11મા ક્રમે છે.
ICICI બેન્કે બે સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે 12મા નંબરે છે. ત્યારબાદના નંબરે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક આવે છે.
વેદાંત લિમિટેડ 3 સ્થાન નીચે ઉતરી ગઈ છે. આ વર્ષની યાદીમાં એ 19મા નંબરે છે.
ફોર્ચ્યુન ઈન્ડિયાનું કહેવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 2018-19ના નાણાકીય વર્ષમાં તેની આવકમાં 41.5 ટકાનો વધારો નોંધાવ્યો છે જે આઈઓસી કરતાં 8.4 ટકા વધારે છે, જે યાદીમાં બીજા નંબરે છે.