દેશની નંબર વન કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની નંબર વન કંપની બની ગઈ છે. ફોર્બ્સ વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર્સ-2022ની સર્વશ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડ. (RIL)ને ભારતીય કંપનીઓમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. RIL વિશ્વમાં 20મા સ્થાન પર છે અને 137મા સ્થાન પર HDFC બેન્ક છે. સેમસંગ વિશ્વની સૌથી શ્રેષ્ઠ કંપનીઓના રેન્કિંગમાં ટોચના સ્થાને છે. ત્યાર બાદ માઇક્રોસોફ્ટ, IBM, આલ્ફાબેટ, એપલ, ડેલ્ટા એરલાઇન્સ, કોસ્ટકો, એડોબ, સાઉથવેસ્ટ અને ડેલ ટેક્નોલોજીસ છે.

રિલાયન્સ 2.3 લાખ કર્મચારીઓની સાથે 20મા ક્રમાંકે છે અને રોલેક્સ, ડસોલ્ટ ગ્રુપ, હુઆવેઇ, બોશ, મર્સિડીઝ બેન્ઝ અને ફાઇઝરની આગળ છે. અન્ય ભારતીય કંપનીઓમાં બજાજ 173મા ક્રમાંકે, આદિત્ય બિરલા ગ્રુપ 240મા, હીરો મોટોકોર્પ 333મા સ્થાન પર, લાર્સન એન્ડ ટુબ્રો 354મા સ્થાને, ICICI બેન્ક 365માં સ્થાને, HCL ટેક્નોલોજી 455મા સ્થાને, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 499માં સ્થાન પર, અદાણી એન્ટરપ્રાઇઝીસ 547માં સ્થાને અને ઇન્ફાર્મેટરી 668મા સ્થાને છે.

ફોર્બ્સે જણાવ્યું હતું કે માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટાની સાથે મળીને આ રેન્કિંગ તૈયાર કર્યું છે. એ માટે 57 દેશોમાં અલગ-અલગ MNC અને સંસ્થાઓમાં કામ કરતી આશરે 1.50 લાખ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. કંપનીઓને ઇમેજ, ઇકોનોમિક ફૂટપ્રિન્ટ, ટેલેન્ટ ડેવલપમેન્ટ, જેન્ડર ઇક્વાલિટી અને સોશિયલ જવાબદારી જેવાં પાસાંઓને આધારે રેટિંગ આપવામાં આવ્યું હતું. આ યાદીમાં 800 કંપનીઓને સામેલ કરવામાં આવી છે. જોકે આ યાદીમાં ટોચની 100 કંપનીઓમાં રિલાયન્સ સિવાય કોઈ ભારતીય કંપનીને સ્થાન નથી આપવામાં આવ્યું, એમ ફોર્બ્સનો અહેવાલ કહે છે.