મુંબઈ – દેશની કેન્દ્રસ્થ બેન્ક, ભારતીય રિઝર્વ બેન્કે તેની નાણાંકીય કે ધિરાણ નીતિની આજે સમીક્ષા કરી છે. ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની યોજાયેલી બેઠકમાં વર્ષ 2018-19માં ધિરાણ નીતિની આ ત્રીજી વાર દ્વિ-માસિક સમીક્ષા કરવામાં આવી છે.
રિઝર્વ બેન્કે સતત બીજી વાર રેપો રેટ 25 બેઝિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે. આ રેટ હવે વધીને 6.5 ટકા થયો છે. આ પહેલાં 2013માં, રિઝર્વ બેન્કે રેપો રેટ ઉપરાછાપરી બે વાર વધાર્યો હતો.
બેન્કે જૂનમાં તેની નીતિ સમીક્ષા બેઠકમાં રીપરચેઝ (રેપો) રેટમાં 25 બેઝિસ પોઈન્ટ વધાર્યા હતા. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ અન્ય બેન્કોને ટૂંકી મુદતે નાણાં ધિરે છે. રીવર્સ રેપો રેટ એ રેટ છે જેની પર આરબીઆઈ કમર્શિયલ બેન્કો પાસેથી નાણાં ઉછીના લે છે.
સામાન્ય રીતે, આરબીઆઈ રેપો રેટ વધારે એટલે બેન્કો પોતાની પર આવેલો એ બોજો ગ્રાહકો પર પાસ કરી દેતી હોય છે.
કેન્દ્રીય બેન્કે આ ઉપરાંત રીવર્સ રેપો રેટ પણ 25 બેઝિસ પોઈન્ટ (bps) વધારીને 6.25 ટકા કર્યો છે.
કમિટીએ એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહેશે.
રિઝર્વ બેન્કે આજે વ્યાજના દર વધારી દેતાં બીજી બેન્કો પોતાની લોન પરના વ્યાજદર વધારે એવી શક્યતા છે. આમ, લોન મોંઘી થઈ શકે, લોકોનાં ઈએમઆઈ વધી શકે છે.