રફાલ ડીલ વિવાદ વચ્ચે દસોલ્ટ-રીલાયન્સે શરુ કર્યુ ફાલ્કન જેટનું ઉત્પાદન

નવી દિલ્હી- રફાલ ડીલ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં દસોલ્ટ રીલાયન્સે ફાલ્કન 2000 LX એક્ઝિક્યૂટિવ જેટ્સનું ઉત્પાદન શરુ કરી દીધુ છે. તો બીજી તરફ ફ્રાંસમાં આ વિમાનોના કેટલાક ભાગોને એસેમ્બલ કરવાનું કામ ચાલી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સંપૂર્ણ ઉત્પાદન પૂર્ણ થવામાં અંદાજે 3 વર્ષ જેટલો સમય લાગશે. એટલે કે, ફાલ્કન 2000 એલએક્સ જેટની ડિલેવરી 2020 સુધીમાં થાય તેવી શક્યતા છે. એક રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રફાલનો કોઈપણ ભાગ નાસિકમાં નહીં બને, પરંતુ જો ભારત 36થી વધુ વિમાનોનો ઓર્ડર આપે છે તો વિમાન અહી બનાવી શકાય તેવી શક્યતા છે. દસોલ્ટ રિલાયન્સ એરોનોટિક્સ લિમિટેડ (DRAL)ના સીઈઓ સંપતકુમારન એસટી ના જણાવ્યા અનુસાર 2022ની શરુઆત સુધીમાં અમે નાગપુરમાં ફાલ્કન 2000નું એસેમ્બલિંગનું કામ પૂર્ણ કરી દેવા ઈચ્છીએ છીએ, અમે આ વિમાનોને અહીંથી જ ઉડાતા જોવા માગીએ છીએ.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ઑપરેટિંગ બાદ પ્લાન્ટ પર દર મહિને બે વિમાનનું નિર્માણ થઈ શકશે. હાલમાં આ પ્લાન્ટ ખાતે કોકપિટ અને ફ્યૂલ ટેંકના ભાગોનું એસેમ્બલિંગનું કામ ચાલી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ફ્રાંસના પ્લાન્ટની તુલનામાં નાગપુર ખાતેના પ્લાન્ટમાં મેક ઈન ઈન્ડિયા મારફતે સસ્તી મજૂરી અને ઉત્પાદન ખર્ચ ઓછો લાગવાને કારણે 35 કરોડથી વધુનો ફાયદો થશે.

એક ફાલ્કન એલએક્સની કિંમત 248 કરોડ રૂપિયા છે, તેની સામે ભારતમાં બનેલા આ જેટની કિંમત ઘણી ઓછી હશે. એક વખત પૂર્ણ થયા બાદ આ પ્રોજેક્ટ ખાનગી ક્ષેત્રમાં પ્રથમ એવી એસેમ્બલિંગ લાઈન હશે, જેમાં ભારતમાં વ્યવસાયિક જેટનું ઉત્પાદન કરશે. એટલું જ નહીં આ કારણે 650થી વધુ સ્કિલ્ડ કર્મચારીઓને રોજગારી પણ મળશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]