નવી દિલ્હીઃ વીમો સેવા પૂરી પાડતી કેન્દ્ર સરકાર હસ્તકની કંપની જીવન વીમા નિગમ (લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન) તેનો પબ્લિક ઈસ્યૂ લાવી રહી છે. એમ કહેવાય છે કે એલઆઈસીના પોલિસીધારકોને કદાચ કંપનીના શેર ડિસ્કાઉન્ટ કિંમતે ઓફર કરવામાં આવશે. એલઆઈસી માત્ર ભારતની જ નહીં, પણ સમગ્ર દુનિયામાં સૌથી મોટી ઈન્શ્યૂરન્સ કંપની છે. કંપનીની અનેક વીમા પોલિસીઓમાં કરોડો લોકોએ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.
ડાઈવેસ્ટમેન્ટ નીતિના ભાગરૂપે કેન્દ્ર સરકાર એલઆઈસીના આઈપીઓ (જાહેર ભરણા)ને સફળ બનાવવા આતુર છે. તે આ અઠવાડિયે એલઆઈસીના આઈપીઓ માટે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવશે, એમ કેન્દ્રના ઈન્વેસ્ટમેન્ટ તથા પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સેક્રેટરી તુહીનકાંત પાંડેએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે આઈપીઓ માટે રીટેલ વિન્ડો અંતર્ગત ચોક્કસ આરક્ષણ પણ રખાયું છે. તેમાં પોલિસીધારકો માટે પણ વિન્ડો (જોગવાઈ) છે. એલઆઈસી કાયદા અંતર્ગત અમે એવી જોગવાઈઓ કરી છે કે પબ્લિક ઈસ્યૂનો 10 ટકા હિસ્સો પોલિસીધારકોને સ્પર્ધાત્મક ધોરણે થોડાક ડિસ્કાઉન્ટ પર ઓફર કરાશે. એલઆઈસીના કર્મચારીઓ માટે પણ ક્વોટા અનામત રખાશે.
આમ, આ શેર ભરણું પોલિસીધારકો, કર્મચારીઓ તથા રીટેલ ઈન્વેસ્ટરો, એમ બધાયને માટે ડિસ્કાઉન્ટ પર ઓફર કરાશે એવો સંકેત મળ્યો છે.