નવી દિલ્હીઃ આજે પેટ્રોલની કીંમતમાં 18 પૈસા અને ડીઝલની કીંમતમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. ત્યારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની નવી કીંમત 77.10 રુપિયા અને ડીઝલની કીંમત 71.93 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરવામાં આવે તો અહીંયા 18 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલ 82.62 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 17 પૈસાના ઘટાડા સાથે 75.36 રુપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે ગત મહીને 17-18 ઓક્ટોબરથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે.
આ પહેલા ગુરુવારના રોજ દિલ્હીમાં પેટ્રોલની કીંમતમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. તો ગુરુવારના રોજ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો અને ડીઝલ 11 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. માનવામાં આવી રહ્યું છે કે તેલની આયાત સસ્તી થવાથી દેશમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલ સહીત અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમતમાં ઘટાડો આવી શકે છે.