22-50 વયના લોકો વધુ થાય છે સાઇબર ફ્રોડનો શિકાર

નવી દિલ્હીઃ સામાન્ય રીતે દેશમાં સિનિયર નાગરિકો કે નોન-ટેક જાણકાર લોકો જ સાયબર (બેન્ક)ની છેતરપિંડીનો શિકાર બનતા હોય છે. વળી, આશરે 65થી 70 ટકા લોકો સાયબર છેતરપિંડીનો શિકાર સવારે સાત કલાકથી સાંજે સાત કલાક દરમ્યાન થતા હોય છે અને એનાથી વિપરીત છેતરપિંડી અડધી રાતે પણ થાય છે. વળી, સાયબર ફ્રોડનો શિકાર થયેલા ગ્રાહકોની વય મર્યાદા 22-50 વર્ષની વચ્ચે હોય છે અને એમાં પણ પગારદાર વ્યક્તિઓ સાયબર છેતપિંડીનો શિકાર વધુ પ્રમાણમાં થાય છે, કેમ કે આ લોકો ટેકપ્રેમી બની રહ્યા છે. એમાં પણ મોટા ભાગે મહિલાઓની તુલનાએ પુરુષો સાયબર ફ્રોડનો શિકાર વધુ પ્રમાણમાં થાય છે, એમ ક્રેડિટ ઇન્ટેલિજન્સ એન્ડ કન્ટ્રોલના વડા મનીષ અગ્રવાલ કહે છે.

સૌથી પહેલાં અમે કોઈ વિદેશથી દેશમાં થનારા સાઇબર હુમલાની વાત નથી કરતા કે જ્યાં બેન્કિંગ સિસ્ટમ્સ હેક થઈ હોય, વગેરે… અમે અહીં વ્યક્તિગત થતી છેતરપિંડીની વાત કરી રહ્યા છીએ. અમે અહીં સોશિયલ એન્જિનિયરિંગની પદ્ધતિથી થતા ફ્રોડની વાત કરીએ છીએ, જેના ઉપયોગ થકી વ્યક્તિગત માહિતી મેળવી શકાય છે. લોકો પોતાનાં ખિસ્સામાં રોકડ હોય તો તેઓ સતર્ક રહેતા હતા, પણ જ્યારથી ડિજિટલ વ્યવહારોમાં વધારો થયો છે, ત્યારથી તેની સુરક્ષા વિશે સામાન્ય જનતામાં એટલી જાગ્રતતા નથી.

વળી, મોટા ભાગે સાયબર છેતરપિંડી એ લોકો સાથે વધુ થઈ રહી છે, જે લોકો ડિજિટલ વ્યવહારોમાં વધુ સક્રિય છે. જે ગ્રાહકો નાણાં ગુમાવી રહ્યાં છે એ લોકો લાલચમાં આવીને પૈસા ગુમાવી રહ્યા છે. તેમને એક કોલ આવે છે અથવા એક લિન્ક મળી રહી છે, જે ઓપન કરતાં લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.