કાળાં નાણાંના ઉપયોગની આશંકા: ટ્રેડરો પાસે મગાયા ખુલાસા

મુંબઈઃ નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ) કેસને નવ વર્ષ પૂરાં થઈ ગયાં છે, છતાં તપાસનીશ સંસ્થાઓ હજી એનો હલ લાવી શકી નથી. જો કે, એક વાત વારંવાર બહાર આવી છે કે પેમેન્ટ કટોકટીના આ કેસમાં કાળાં નાણાંનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થયો હતો.

હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) એનએસઈએલ પર ટ્રેડ કરનારા અનેક લોકોને નોટિસ મોકલીને પુછાવ્યું છે કે એમણે જેનાથી ટ્રેડિંગ કર્યું એ નાણાં ક્યાંથી આવ્યાં હતાં.

પોતાને રોકાણકાર કહેવડાવનારા લોકો વાસ્તવમાં ટ્રેડર હતા એવી આશંકા વચ્ચે એ કથિત રોકાણકારોને પૂછવામાં આવ્યું છે કે એમણે કરેલા વેપાર માટે બ્રોકરોએ નાણાં આપ્યાં હતાં કે કેમ અથવા બ્રોકરોએ ઉંચા વળતરની લાલચ આપીને એમને ટ્રેડિંગ કરવા પ્રેર્યા હતા કે કેમ.

છેલ્લા પંદરેક દિવસની અંદર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ટ્રેડરોને નોટિસો મોકલવામાં આવી છે. ઈડીએ એમને 2009થી 2013 દરમિયાન એમણે કરેલા સોદાઓની વિગતો માગી છે. એમની પાસેથી બ્રોકરનાં નામ, વેપાર માટે ઉછીનાં લેવાયેલાં નાણાંનું પ્રમાણ, નાણાં ધીરનારનાં નામ અને નાણાં ક્યાંથી આવ્યાં એની વિગતો માગવામાં આવી છે. જો કોઈ વ્યક્તિઓએ નહીં, પણ કંપનીઓએ ટ્રેડિંગ કર્યું હોય તો કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન હેઠળ એની પરવાનગી હતી કે કેમ એ પણ પૂછવામાં આવ્યું છે.

માહિતગાર સૂત્રો જણાવે છે કે ઈડી એ જાણવા માગે છે કે બ્રોકરોએ બીજાઓના નામે એનએસઈએલમાં ટ્રેડિંગ કર્યું હતું કે કેમ અને જો કર્યું હતું તો એમણે કેટલાં નાણાંનો ઉપયોગ કર્યો અને એ ટ્રેડિંગમાં કાળાંનાં ધોળાં કરવામાં આવ્યાં હતાં કે કેમ.

જો નાણાં ધીરનાર એન્ટિટી બ્રોકરની કોઈ કંપની હોય કે પછી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની હોય તો એમનાં નામ, સરનામાં તથા પેન નંબર પણ માગવામાં આવ્યાં છે.

અહીં જણાવવું રહ્યું કે થોડા સમય પહેલાં જ સેબીએ એનએસઈએલ કેસમાં પાંચ કોમોડિટી બ્રોકરોની સામે કાર્યવાહી કરી છે. અગાઉ, ટોચના પાંચ બ્રોકરોના અધિકારીઓની ધરપકડ પણ થઈ ચૂકી હતી.

એનએસઈએલ કેસમાં 5,600 કરોડ રૂપિયાની પેમેન્ટ કટોકટી સર્જાઈ હતી. એક અંદાજ મુજબ એમાંથી 3,000 કરોડ રૂપિયા કાળાંનાં ધોળાં કરવામાં આવેલાં નાણાં હતાં. ફોરવર્ડ માર્કેટ્સ કમિશન જુલાઈ 2013માં કટોકટી બહાર આવી એ સમયે જ તપાસ કરીને કેસનો હલ લાવી શકે એમ હતું, પરંતુ આજે દસ વર્ષ થવા આવ્યાં છતાં કેસનો નિવેડો આવ્યો નથી. ડિફોલ્ટરો અને બ્રોકરોની ભૂમિકા સામે અનેક સવાલો ખડા થયા હોવા છતાં કાયદો હજી સુધી એમના સુધી પહોંચી શક્યો નથી એવું વાતાવરણ છે.