મુંબઈઃ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ)ના માધ્યમથી 50 રૂપિયાથી ઓછા મૂલ્યના તમામ ગેમિંગ વ્યવહાર પર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) કાયમ માટે પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, નવો નિયમ લાગુ કરવા પાછળનું કારણ એ છે કે યૂપીઆઈમાં વ્યવહારોનું પ્રમાણ ઘટાડવાનો છે, કારણ કે 50 રૂપિયાથી ઓછા મૂલ્યના વ્યવહારોની સંખ્યા અત્યંત વધી ગઈ છે. એને કારણે બેન્કિંગ અડચણો અને ટેકનિકલ સમસ્યાઓમાં વધારો થયો છે. ગયા મહિને રૂ.50થી પણ ઓછી રકમના પેમેન્ટ્સની સંખ્યા પાંચ લાખ કરોડથી પણ વધારે નોંધાઈ હતી, જે ગયા ફેબ્રુઆરીમાં 4.25 લાખ કરોડ હતી.
ગેમિંગ મરચન્ટ્સ દ્વારા સાવ ઓછી રકમના (ઘણા તો માત્ર 1-10 રૂપિયાના હોય છે) એવા રિકરિંગ સોદાઓ ખૂબ હાથ ધરવામાં આવે છે અને તાજેતરના અઠવાડિયાઓમાં તે સંખ્યામાં ખૂબ વધારો નોંધાયો છે. આઈપીએલ મેચો વખતે આ સોદાઓમાં અતિશય વધારો થયો છે. આને કારણે બેન્કોની સિસ્ટમમાં આઉટેજ ઊભું થાય છે. ગેમિંગ એપ્સ પર વોલ્યૂમ વધે એ માટે 50 રૂપિયાથી ઓછી રકમના પેમેન્ટ્સ સ્વીકારવામાં આવે છે, પરંતુ એને કારણે યૂપીઆઈ નેટવર્ક અને બેન્કિંગ સિસ્ટમ પર બોજો વધે છે.
