નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની બેંકોની નુકસાની જાન્યુઆરી-માર્ચ 2018 ના ત્રિમાસિક ગાળામાં 50 હજાર કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શવા જઈ રહી છે. આ એક રેકોર્ડ અને જાન્યુઆરી-માર્ચ 2017માં થયેલા 19 હજાર કરોડ રૂપિયાની નુકસાનીના બેગણાથી પણ વધુ છે. બેંકોને આ મોટી નુકસાની રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કડકાઈના કારણે થઈ છે. આરબીઆઈએ તમામ લોન રીસ્ટ્રક્ચરિંગની સ્કીમ ખતમ કરી દીધી છે. આ કારણે સરકાર પર પૂર્વનિર્ધારિત રકમથી વધારે પૈસા બેંકોમાં નાંખવાનું દબાણ વધી ગયું છે.
જે 15 સરકારી બેંકોએ ગત નાણાકિય વર્ષના ચોથા ત્રિમાસીક ગાળાના પરિણામ જાહેર કરી દીધા છે તેમાં ઈંડિયન બેંક અને વિજયા બેંકને છોડીને તમામ 13 બેંકો નુકસાનીમાં રહી છે. આ તમામ 15 બેંકોની કન્સોલિડેટિડ અર્નિંગ્સમાં 44,241 કરોડ રૂપીયાની ખોટ સામે આવી છે. બાકી 6 બેંકોના રીઝલ્ટ આવવા પર નુકસાનીનો આ આંકડો વધીને 50 હજાર કરોડ રૂપીયાથી પણ વધવાની આશંકા છે. અત્યારે આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ ઈંડિયા, બેંક ઓફ બરોડા, યૂનાઈટેડ બેંક અને ઈંડિયન ઓવરસીઝ બેંક સહિતની બેંકોના રીઝલ્ટ આવવાના બાકી છે. આમાં માત્ર બેંક ઓફ બરોડાએ ઓક્ટોબર અને ડિસેમ્બર 2017ના ત્રિમાસીક ગાળામાં નફો કર્યો હતો.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સારૂ પ્રદર્શન કરનારી બેંકોને જ નવી રીતે મૂડી આપવામાં આવશે. ત્યારે હવે તેના સામે પોતાના વચન પર કાયમ રહેવાનો પડકાર છે. જે બેંકોને નવી મૂડીની દરકાર છે તેમનું એનપીએ સ્તર ખૂબ ઉંચુ છે. અલાહબાદ બેંકની કોર ઈક્વિટી કેપિટલ 7 ટકાની ન્યૂનતમ અનિવાર્ય સીમાથી ઓછી છે જ્યારે પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયા, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને આંધ્ર બેંક આનાથી થોડી જ આગળ છે.