નવી દિલ્હીઃ જો તમારી પાસે પણ પર્સનલ કાર હોય તો હવે તમે તેના માધ્યમથી કમાણી કરી શકશો. કેન્દ્ર સરકાર પ્રાઈવેટ કારના કોમર્શિયલ ઉપયોગના નિયમોમાં પરિવર્તન કરવા જઈ રહી છે. જો સરકાર દ્વારા નિયમ બદલવામાં આવ્યાં તો તમે પ્રાઈવેટ કારમાં પેસેન્જર બેસાડી શકશો.
પ્રાપ્ત વિગતો અનુસાર પરિવહન મંત્રાલય દ્વારા વ્હીકલ પૂલિંગ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ નિયમોને મંજૂરી આપતાં પહેલાં એ નિશ્ચિત કરવામાં આવશે કે કેબ અને ટેક્સી સેવા સમાપ્ત ન થઈ જાય. સરકાર આ નિયમો અંતર્ગત નીતિ આયોગની મદદ લઈ રહી છે.
પ્રાઇવેટ વાહનોને સ્ટેટ ટ્રાન્સપોર્ટના એગ્રીગેટર સાથે જોડવામાં આવશે. જે લોકોએ પોતાના ખાનગી વાહનમાં પેસેન્જર ભરવા હોય તેમણે KYC કરાવવાનું રહેશે. ઉપરાતં પ્રાઇવેટ વ્હિકલમાં પેસેન્જર ભરવા માટે વીમો પણ ઉતરાવવાનો રહેશે.આ રીતે તમે દિવસની 3-4 ટ્રિપ કરી શકશો.
પર્સનલ કાર માલિકોનો ડેટા આરટીઓના રજિસ્ટર્ડ વ્હિકલના ડેટાબેસમાં ફીડ કરવામાં આવશે. એના કારણે તે એકથી વધુ એગ્રીગેટર સાથે લોકોને નહીં જોડી શકે. વ્હીકલ પૂલિંગ માટે ટ્રિપની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. રોજની 3-4 ટ્રીપ પ્રતિ કાર કરી શકાશે.