નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે.
પ્રત્યક્ષ ટેકસથી સંકળાયેલા કાનૂની વિવિદોમાં ઘટાડો કરવાના ઇરાદે આ ખરડો આ મહિનાના પ્રારંભમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.એમાં અપીલ સ્તર પર ઇન્કમ ટેક્સ એપેલટ ટ્રિબ્યુનલો (આઇટીએટી), હાઇકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ ટેક્સ વિવાદોને સામેલ કરવાનો પ્રસ્તાવ છે.
કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાસ જાવડેકરે કહ્યું હતું કે આનાથી ટેક્સ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવામાં ઝડપ આવશે અને ડીઆરટીમાં પેન્ડિંગ કેસોને હવે આમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રૂ. નવ લાખ કરોડના ડિરેક્ટ ટેક્સના કેસો પેન્ડિંગ
જાવડેકરે કહ્યું હતું કે અલગ-અલગ ઓથોરિટી અને કોર્ટોમાં રૂ. નવ લાખ કરોડના સીધા ટેક્સના કેસો પેન્ડિંગ છે. પ્રધાને આશા દર્શવી હતી કે લોકો આ યોજનાનો લાભ લેશે અને 31 માર્ચ, 2020થી પહેલાં વિવાદનું સમાધાન કરશે. જો આવું નહીં કરવામાં આવે તો આવતા નાણાકીય વર્ષમાં વિવાદનો ઉકેલ લાવવા માટે 10 ટકા વધારાની ચુકવણી કરવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ત્રણ સરકારી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં રૂ. 2500 કરોડની મૂડી ઠાલવવા પણ મંજૂરી મળી હતી. આ કંપનીઓ –નેશનલ ઇન્શ્યોરન્સ, ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપની છે.