અમદાવાદઃ એક તરફ તહેવારો આંગણે આવીને ઉભા છે અને આવા ટાણે જ મોટાભાગના એટીએમોમાં પૈસા જ નથી. અત્યારે તમે એટીએમમાં પૈસા ઉપાડવા જશો તો ઘણી જગ્યાએ એટીએમ બંધ હોય તેવી સ્થિતી જોવા મળશે. મોટાભાગની બેંકોમાં સળંગ રજા છે અને એટીએમમાં પૈસા નથી ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આ સ્થિતિ માત્ર અમદાવાદની જ નથી પરંતુ વડોદરા, સુરત, રાજકોટ અને નાણા મોટા લગભગ તમામ શહેરોની આવી જ સ્થિતિ છે. લોકો સવારથી વિવિધ એટીએમના ચક્કરો લગાવે છે પરંતુ તેમના પૈસા જ હાથમાં આવતા નથી. એટીએમ સેન્ટર પર કેશ નથી, રોકડ નથી, બંધ છે જેવા બોર્ડ લાગેલા છે.
પરંતુ જો આવા બોર્ડ ન હોય તો તે એટીએમમાં રોકડ હશે તેવું માની લેવાની જરા પણ જરૂર નથી. આ ઉપરાંત ગુજરાતમાં પણ 7 અને 8 નવેમ્બર બેંક બંધ રહેશે જ્યારે 10મી તારીખે મહિનાનો બીજો શનિવાર છે એટલે બંધ રહેશે. મોટાભાગની બેંકોમાં 9મી તારીખે પણ બંધ રહેશે. જો કાલથી પાંચ દિવસ માટે બેંકો પણ બંધ હોય અને એટીએમમાં પણ પૈસા ન હોય તો લોકો દિવાળીની ઉજવણી કઇ રીતે કરી શકશે? તે યક્ષ પ્રશ્ન છે.