NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર જ ટેક્સ ભરવો પડશે, ભારતની બહાર કમાયેલી આવક પર નહીં.

સીતારામને એમ પણ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટમાં સૂચવાયેલા નવા ટેક્સ નિયમ અંગે અધિકારીઓ ગૂંચવણમાં પડી જાય એવું હું ઈચ્છતી નથી.

નાણાં ખરડા 2020માં દર્શાવેલી જોગવાઈ, જેનો વિવાદ થયો છે, એમાં જણાવાયું હતું કે જે કોઈ ભારતીય નાગરિક, કે જેની આવક પર બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં વેરો વસૂલાતો નથી, તેઓ ભારતીય રહેવાસી ગણાશે. વર્તમાન કાયદા અનુસાર, ભારતીય રહેવાસીની દુનિયાભરમાંની આવક પર ભારતમાં ટેક્સ લાગુ કરવામાં આવશે.

આને કારણે જ્યાં વ્યક્તિગત આવક પર વેરો વસુલ કરાતો નથી એવા સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) જેવા દેશોમાં કામ-ધંધો કરતા બિનનિવાસી ભારતીયોને ચિંતા પેઠી છે, કારણ કે એમણે ભારતમાં કરવેરો ચૂકવવો પડશે. NRIs વ્યક્તિઓએ વિદેશમાં મેળવેલી આવક ઉપર 30 ટકા ટેક્સ ઉપરાંત સેસ અને સરચાર્જ લાગુ કરાશે.

 

સીતારામનનું કહેવું છે કે કરવેરાના હેતુઓ માટે રહેવાસી (રેસિડન્ટ) કોન્સેપ્ટની પરિભાષામાં ફેરફાર કરવા પાછળનો હેતુ ભારતમાં રહેતા નથી એવા NRIsની ભારતમાંની આવક કરવેરાની જાળથી બાકાત રહી જતી હોવાથી એને પણ જાળની અંદર લાવવાનો છે.

નાણાં મંત્રાલયે આજે ઈસ્યૂ કરેલા નિવેદનમાં એવી સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ભારતીય નાગરિક ભારતના રહેવાસી હોય તો એમણે ભારતની બહાર મેળવેલી આવક પર ભારતમાં કોઈ ટેક્સ નહીં લાગે, પણ એ શરતે કે એમણે તે આવક કોઈ ભારતીય બિઝનેસમાંથી કે વ્યવસાયમાંથી મેળવેલી હોવી ન જોઈએ.

આ સ્પષ્ટતાની જરૂર જણાશે તો એને કાયદાની સંબંધિત જોગવાઈમાં જોડી દેવામાં આવશે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.

ધારો કે કોઈ ભારતીય પાસે ભારતીય પાસપોર્ટ હોય અને પોતે નોન-રેસિડન્ટ ઈન્ડિયન છે એવો તે દાવો કરે તો અન્ય કોઈ દેશમાંનું પોતાનું રહેવાસી સ્ટેટસ એણે સાબિત કરવાનું રહેશે.