અમદાવાદઃ US કોર્ટમાં અદાણી પર લાગેલા આરોપોથી બજારમાં વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી નરમ બંધ આવ્યા હતા. નિફ્ટી પાંચ મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યો હતો. અદાણી ગ્રુપના શેરોમાં પણ ભારે વેચવાલી ફરી વળી હતી. અદાણી શેરના માર્કેટ કેપમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. અદાણીને લોન આપનારી બેન્કોના શેરો પણ તૂટ્યા હતા.
અમેરિકી કોર્ટ અને SECના ગંભીર આરોપો પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અદાણીના ગ્રુપના શેરોમાં એક સમયે 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે અદાણી ગ્રુપના નિવેદનથી નીચલા સ્તરોમાં આ શેરોમાં વેચાણો કપાતાં રિકવરી થઈ હતી.
BSE સેન્સેક્સ 422.59 પોઇન્ટના ઘટાડાની સાથે 77,155.79ના સ્તર બંધ આવ્યો છે, જ્યારે NSEના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 168.00 પોઇન્ટ તૂટીને 23,349.90ના સ્તરે બંધ આવ્યો હતો.
બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓયલ એન્ડ ગેસ 0.13-2.70 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યું હતું. બેન્ક નિફ્ટી 0.50 ટકાના ઘટાડાની સાથે 50,372.90 ના સ્તર પર બંધ થયો હતો.
દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ, એસબીઆઈ, એનટીપીસી, એશિયન પેંટ્સ, ઓએનજીસી, આઈટીસી, બ્રિટાનિયા અને બજાજ ફાઈનાન્સ 2.05-23.44 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, અલ્ટ્રા સિમેન્ટ, હિંડાલ્કો, અપોલો હોસ્પિટલ, ગ્રાસિમ, એક્સિસ બેંક, ટીસીએસ અને એચસીએલ ટેક 0.70-3.25 ટકા સુધી વધીને બંધ થયા છે.
ભારતીય રૂપિયો 9 પૈસા તૂટીને 83.50ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 83.41ના સ્તર પર બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4065 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1235 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2737 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 165 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 184 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.