ક્રેડિટ-ડેેબિટ કાર્ડની સુરક્ષા વધારવા આરબીઆઈના નવા નિયમો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો રજૂ કર્યા છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે ભારતમાં કાર્ડ ઈશ્યૂ કરતા સમયે એટીએમ અને પીએસઓ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની જ મંજૂરી આપે. આરબીઆઈ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે અલગથી મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે.

15 મી જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડનો વપરાશકાર પોતાની મેળે જ ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો કયા કયા હેતુ માટે ઉપયોગ કરવાનું નક્કી કરી શકે અને તે પ્રમાણે કાર્ડને તે પોતે જ ડિસેબલ કે અનેબલ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે.

પોઈન્ટ ઓફ સેલ પર રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના વપરાશની મર્યાદા કેટલી રાખવી અને તેમાં વધારો કે ઘટાડો કાર્ડધારક પોતે જ કરી શકે તેવી વ્યવસ્થા દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે ત્યારે તેને પોઈન્ટ સેલ અથવા તો પછી એ.ટી.એમ ખાતે જ ચાલી શકે તેવી વ્યવસ્થા સાથેના કાર્ડ પણ ઈશ્યૂ કરવાની સૂચના રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવી છે.

તો આ સાથે જ માત્ર ભારતમાં જ તેનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ તેની સાથે જ કરી દેવાની રહેશે. પરિણામે હવે પછી જે કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે તે પોઈન્ટ ઓફ સેલ અથવા તો એ.ટી.એમમાં જ વાપરી શકાશે. આ સિવાયના હેતુ માટે કાર્ડનો ઉપયોગ થઈ શકશે જ નહી. ત્યારબાદ આ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન અથવા તો કોન્ટેક્ટ લેસ ટ્રાન્ઝેક્શન કરવા માટે ઉપયોગ કરી શકાશે જ નહી. કાર્ડધારક જ તેને અન્ય વપરાશ માટે અનેબલ અથવા તો ડિસેબલ કરી શકશે.

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ માટેની નવી સિસ્ટમમાં કાર્ડનો વપરાશકાર તેના કાર્ડના વપરાશને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરી શકે તેવી વ્યવસ્થા પણ દાખલ કરી દેવામાં આવે તેવો આદેશ તમામ બેંકોને આપી દેવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને વધુ સલામત બનાવવા માટે આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે.

આરંભમાં એટીએમ કે પીઓએસ ખાતે જ વપરાશ થાય તેવી સુવિધાવાળા ક્રેડિટ-ડેબિટકાર્ડ ઈશ્યૂ કરવાના રહેશે. તેના વપરાશના અન્ય હેતુ નક્કી કરવાની સત્તા પોતે કાર્ડ હોલ્ડરને જ આપવી પડશે. કાર્ડ ઈશ્યૂ કરનારી બેંક કે પછી નાણા સંસ્થાએ કાર્ડધારકને તેના ટ્રાન્ઝેક્શન નક્કી કરવાની સુવિધા જાતે જ ઉભી કરીલે તેવી વ્યવસ્થા આપવાની રહેશે.

તો આ સાથે જ તેની ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારવાની કે ઘટાડવાની પણ કાર્ડધારકને જ છૂટ આપવાની રહેશે. તેમ જ તેની સુવિધાને જાતે ચાલુ કે બંધ કરવાની સગવડ પણ આપવાની રહેશે.

આગામી સોળમી માર્ચ 2020 થી નવી વ્યવસ્થા અમલમાં આવશે. રિઝર્વ બેંક દ્વારા આ અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં કાર્ડ થકી થતા વ્યવહારોના મૂલ્યમાં અનેકગણો વધારો થયો છે.