જિયો સાથે અમેરિકાની TPG પણ જોડાઈઃ $60 કરોડનો સોદો

મુંબઈઃ પોતાની પર ચડી ગયેલું દેવું ઘટાડવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મોટા પગલા લઈ રહી છે અને તેની ટેલિકમ્યુનિકેશન્સ અને ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનો હિસ્સો વિદેશી કંપનીઓને વેચી રહી છે. અત્યાર સુધીમાં એણે કુલ 9 સોદા કર્યા છે. ગઈ કાલે એણે અમેરિકાના ટેક્સાસસ્થિત ખાનગી કંપની TPG કેપિટલને 60 કરોડ ડોલરમાં 0.93 ટકા હિસ્સો વેચ્યાની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નિવેદનમાં જણાવાયું છે કે TPG કંપની જિયોમાં હિસ્સો ખરીદવા માટે રૂ. 45.4 અબજ રૂપિયા ચૂકવશે.

આ જ રીતે, અન્ય ખાનગી કંપની એલ. કેટરટોને પણ જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે જિયોને 18.9 અબજ રૂપિયા ચૂકવ્યા છે. એલ. કેટરટોન કંપની જાણીતી કન્ઝૂમર બેઝ્ડ ખાનગી ઈક્વિટી કંપની છે, જેની માલિક છે, લક્ઝરી રીટેલર LVMH.

આ સોદા સાથે જિયો પ્લેટફોર્મે હિસ્સાના વેચાણ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 1,04,326.9 કરોડ પ્રાપ્ત કરી લીધા છે.

અંબાણીના ડિજિટલ યુનિટ જિયોની આ સાથે ઈક્વિટી વેલ્યૂ વધીને 65 અબજ ડોલર થઈ છે. એણે અત્યાર સુધીમાં જુદી જુદી કંપનીઓને 22 ટકા હિસ્સો વેચ્યો છે.

ગઈ 22 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં દુનિયાભરમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના ક્ષેત્રની અનેક જાણીતી કંપનીઓ જિયો પ્લેટફોર્મમાં મૂડીરોકાણ કરી ચૂકી છે. આમાં સૌથી પહેલું મૂડીરોકાણ ફેસબુકે કર્યું હતું. એણે લગભગ 10 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારબાદ સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડલા, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ટીપીજી અને એલ. કેટરટોને પણ હિસ્સો ખરીદ્યો છે.