મુંબઈઃ મીડિયા અહેવાલ અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગઈ કાલે મધરાતે એમના પુત્ર અનંતની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અત્રેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મળવા ગયા હતા. એમની તે મુલાકાતે અનેક તર્કવિતર્ક ઊભાં કર્યા છે. બંનેએ કયા મુદ્દે ચર્ચા કરી હશે તે વિશે લોકોમાં સવાલો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શિંદે થોડાક દિવસો પહેલાં અન્ય ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને મળવા ગયા હતા. તે પછી હવે મુકેશ અંબાણી શિંદેને એમનાં નિવાસે જઈને મળતાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની વિગત હજી સુધી બહાર આવી નથી. પરંતુ, વેદાંતા-ફોક્સકોન કંપનીનો લાખો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં ગુજરાતમાં ચાલ્યો ગયો એ ઘટનાને ધ્યાનમાં લેતાં અંબાણી-શિંદેની મુલાકાત મહત્ત્વપૂર્ણ બની છે. એવી જ રીતે, અમુક દિવસો પહેલાં એશિયાના નંબર-વન અને વિશ્વના ત્રીજા બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ ગૌતમ અદાણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા.