ટિકટોકની ભારતમાં વાપસી? મુકેશ અંબાણી સાથે વાટાઘાટ ચાલે છે

મુંબઈઃ ભારતમાં ચીની ચીજવસ્તુઓ અને સેવાઓના બહિષ્કારની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે કે ચીનની જાણીતી સોશિયલ મિડિયા કંપની ટિકટોક જુદા માર્ગે ભારતમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહી છે. આ કંપનીની પિતૃ માલિક બાઈટડાન્સ કંપની ભારતમાં ટિકટોકના બિઝનેસને નાણાકીય રીતે મદદરૂપ થવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે વાટાઘાટ ચલાવી રહી છે. આ વાટાઘાટ પ્રારંભિક તબક્કામાં છે.

લોકપ્રિય બનેલી વિડિયો-શેરિંગ એપ્લિકેશન ટિકટોકને ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટાની ચોરીની ચિંતાને કારણે ગઈ 29 જૂને બીજી 58 એપ્સની સાથે પ્રતિબંધિત કરી હતી.

એક અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બાઈટડાન્સે જુલાઈમાં વાટાઘાટ શરૂ કરી હતી, પરંતુ આ સોદા અંગે તેમણે હજી કોઈ આખરી નિર્ણય લીધો નથી.

ટેકક્રન્ચ વેબસાઈના અહેવાલ અનુસાર, તેલ સંશોધનથી લઈને રીટેલ બિઝનેસ સહિત અનેક ક્ષેત્રોમાં કાર્યરત અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જો ટિકટોકમાં મૂડીરોકાણ કરશે તો ભારત જેવી સૌથી મોટી માર્કેટમાં ટિકટોકનું ભવિષ્ય બચી જશે એટલું જ નહીં, પણ મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની RILને તેના ગ્રાહકો સાથે વધુ ઊંડા સંપર્કો પણ પૂરા પાડશે.

આ વાટાઘાટ વિશે જોકે RIL કે બાઈટડાન્સમાંથી કોઈએ પણ હજી સુધી સત્તાવાર નિવેદનો બહાર પાડ્યા નથી. જૂનમાં પ્રતિબંધિત કરાઈ એ પહેલાં ટિકટોક ઈન્ડિયાના 20 કરોડથી વધારે ગ્રાહકો હતા અને કંપનીની માર્કેટવેલ્યૂ 3 અબજ ડોલર હતી.

ટિકટોક અને રિલાયન્સના જિયો પ્લેટફોર્મની સંગઠિત તાકાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ધરખમ ટેક્નોલોજી કંપની તરીકે ફરી ચેતનવંતી કરશે. રિલાયન્સ જિયોના આશરે 40 કરોડ યૂઝર્સ છે અને તેના ઈન્વેસ્ટરોમાં ફેસબુક, ગૂગલ જેવી કંપનીઓ પણ સામેલ છે.

ગૂગલ દ્વારા રૂ. 33,737 કરોડનું મૂડીરોકાણ કરાયા બાદ રિલાયન્સ જિયો પ્લેટફોર્મની કુલ વેલ્યૂ રૂ. 1,52,056 કરોડ થઈ ગઈ છે. જિયોના અન્ય વિદેશી ઈન્વેસ્ટરોમાં વિસ્ટા, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, ટીપીજી, એલ. કેટર્ટન, ઈન્ટેલ કેપિટલ, સિલ્વર લેક, ક્વાલકોમ વેન્ચર્સ અને ફેસબુકનો સમાવેશ થાય છે.

લદાખ સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની ભયાનક અથડામણ થયા બાદ ભારતમાં ચીન-વિરોધી લાગણી તીવ્ર બની ગઈ છે. એને ઘટાડવા માટે બાઈટડાન્સ સતત પ્રયત્નશીલ છે. એણે તેના 2000 કર્મચારીઓને હૈયાધારણ આપી છે કે ભારતમાં આ સ્ટાફને છૂટો કરી દેવાનો તેનો કોઈ પ્લાન નથી અને આ માટે તે ભારત સરકાર સાથે સતત વાટાઘાટ કરી રહી છે.

ભારત ઉપરાંત અમેરિકામાં પણ ટિકટોક સામે પ્રશાસન સ્તરે વિરોધ થયો છે. બાઈટડાન્સ તેની ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંની સંપત્તિને માઈક્રોસોફ્ટ ખરીદી લે એ માટે તેની સાથે વાટાઘાટ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]